Rajkot તા.8
સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા વર્ષોથી ખાલી રહેલી એક લાખના પગારવાળી રજિસ્ટ્રારની જગ્યાની ભરતી માટે અંતે કાર્યવાહી આરંભી દેવામાં આવી છે. જેમાં સરકારની નવી ગાઈડલાઈન મુજબ પાંચ વર્ષના કોન્ટ્રાકટ બેઈઝ પર લાયકાત ધરાવતા ઉમેદવારની ભરતી કરવામાં આવનાર છે.
આ અંગે યુનિ.ના સૂત્રોએ જણાવેલ હતું કે યુનિ. દ્વારા રજિસ્ટ્રારની જગ્યા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવાતા 12 જેટલા ઉમેદવારોએ અરજીઓ આ વિશ્વવિદ્યાલયને મોકલાવી હતી. જેની સ્ક્રુટીનીના અંતે ત્રણ જેટલા ઉમેદવારોની અરજીઓ માન્ય રાખવામાં આવી છે.
જેમાં સૌરાષ્ટ્ર યુનિ.ના ઈન્ચાર્જ રજીસ્ટ્રાર તરીકે સેવા આપતા મનીષભાઈ ધામેચા ઉપરાંત અજયસિંહ જાડેજા (રજીસ્ટ્રાર આંબેડકર યુનિ.) તેમજ દશરથસિંહ (પુર્વ રજીસ્ટ્રાર, સોમનાથ યુનિ.)ની અરજીઓ માન્ય રાખવામાં આવી છે. આ ત્રણ ઉમેદવારોમાંથી એકની પસંદગી કરવામાં આવશે.
રજીસ્ટ્રારની જગ્યા માટે ઉમેદવારોના ઈન્ટરવ્યુ ગોઠવવા માટે તારીખ નિયત કરવા માટે તૈયારીઓ યુનિ.તંત્ર દ્વારા આરંભી દેવામાં આવી છે. આ અંગે ટુંક સમયમાં જ ઈન્ટરવ્યુ ગોઠવી દેવામાં આવી છે.
અહીં એ ઉલ્લેખનીય છે કે યુનિ.માં વર્ષોથી રજીસ્ટ્રાર ટકતા નથી છેલ્લે વર્ષ 2023માં રૂપારેલીયાભાઈની નિયુક્તિ કરવામાં આવી હતી જે પણ ટર્મ પુરી કર્યા વગર પરત મ્યુનીસીપલ કોર્પોરેશનમાં ગોઠવાય ગયા છે.
ત્યારબાદ ઈન્ચાર્જ રજીસ્ટ્રારનું તરીકેનું સુકાન રમેશ પરમારે સંભાળ્યું હતું. પરંતુ તેઓ પણ વયમર્યાદાના કારણે નિવૃત થયા બાદ હાલ તેઓ જુનાગઢની નરસિંહ મહેતા યુનિ.માં રજીસ્ટ્રાર તરીકેનો કાર્યભાર સંભાળી રહ્યા છે જે બાદ યુનિ.ના રજીસ્ટ્રારનો ચાર્જ હાલ મનીષભાઈ ધામેચાને સોંપવામાં આવેલ છે.

