Ahmedabad,તા.૯
Ahmedabadના સરખેજ વિસ્તારમાં પ્રેમ સંબંધનો કરૂણ અંત આવ્યો છે. ફતેવાડી આર.સી. રોડ વિસ્તારમાં રહેતી એક યુવતીની તેના જ ઘરમાં શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. શરૂઆતમાં આ બનાવને આત્મહત્યા તરીકે જોવામાં આવ્યો હતો, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ હત્યાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.
મૃતક યુવતી સીમા પઠાણના પાંચ મહિના પહેલા છૂટાછેડા થયા હતા અને તે પોતાના બે બાળકો સાથે માતાના ઘરે રહેતી હતી. આ દરમિયાન તેનો યાસીન કુરેશી નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો. બંને લગ્ન કરવાની તૈયારીમાં હતા, પરંતુ યાસીન સીમા પર નાની-નાની બાબતોમાં શંકા કરતો હોવાથી બંને વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા.
૬ જૂનની વહેલી સવારે સીમાના ભાઈ જ્યારે તેના ઘરે પહોંચ્યા ત્યારે સીમાની લાશ ઘરમાં પડી હતી. તેના ગળા પર ઈજાના નિશાન જોવા મળ્યા હતા. પરિવારજનોએ તરત જ પોલીસને જાણ કરી અને પ્રેમી યાસીન પર શંકા વ્યક્ત કરી હતી.
પોલીસે શરૂઆતમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જોકે, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું. ત્યારબાદ પોલીસે યાસીન કુરેશીની અટકાયત કરી તેની પૂછપરછ હાથ ધરી હતી. તપાસ દરમિયાન યાસીને સીમા પર શંકા હોવાના કારણે ગુસ્સામાં આવી તેની હત્યા કરી હોવાનું કબૂલ્યું હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.આ બનાવે ફરી એકવાર પ્રેમ સંબંધોમાં વધતી શંકા અને તેના ગંભીર પરિણામો અંગે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે

