New Delhi તા.7
ચોમાસાની વિદાય વેળાએ અસ્થિર વાતાવરણ સર્જાતા પ્રક્રિયા અવરોધાયા બાદ હવે આવતા દિવસોમાં નૈઋત્યનું ચોમાસું પાછુ ખેંચાવાના સંકેતો છે તેવા સમયે શિયાળાના પગરણનાં નિર્દેશ હોય તેમ કાશ્મીર, હિમાચલ, ઉતરાખંડ જેવા રાજયોમાં હિમવર્ષાનો સિલસિલો છે દિલ્હી સહીતનાં કેટલાંક રાજયોમાં વરસાદ પડયો હતો.
દેશના પહાડી રાજયોમાં હિમવર્ષા તથા વરસાદને કારણે ઠંડી શરૂ થઈ ગઈ છે. ઉતરાખંડ, હિમાચલ તથા કાશ્મીરમાં હિમવર્ષાનાં કારણે પ્રવાસીઓ ગેલમાં આવી ગયા હતા. કાશ્મીર, હિમાચલમાં હિમવર્ષા બાદ હવે ઉતરાખંડમાં પણ બરફ વરસ્યો હતો. કેદારનાથ ધામમાં સિઝનની પ્રથમ હિમવર્ષા થઈ હતી જેને પગલે પવિત્ર યાત્રાધામમાં ઠંડીનો ચમકારો અનુભવાયો હતો.
ઓકટોબરનાં પ્રારંભે જ હિમવર્ષાથી સ્થાનિક લોકો પણ આશ્ચર્યચકીત બન્યા હતા. હવામાન વિભાગ દ્વારા ચમોલીમાં પણ વરસાદ-હિમવર્ષાનું એલર્ટ આપવામાં આવ્યું છે.હેમકુંડ સાહીબ તથા બદ્રીનાથધામની યાત્રા પર પણ તેની અસર જોવા મળી હતી બદ્રીનાથધામમાં સવારે જ હવામાને કરવટ બદલી હતી. વહીવટીતંત્ર દ્વારા બદલાતા મૌસમ વિશે યાત્રા દરમ્યાન કાળજી રાખવાની સલાહ આપવામાં આવી હતી.
કાશ્મીરમાં ગુલમર્ગનાં માઉન્ટ તથા સોનમર્ગના જોજીલા પલ્સ ખાતે વધુ હિમવર્ષા થઈ હતી. આવતા 48 કલાક સુધી બરફ વરસવાની આગાહી કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશમાં સતત બીજા દિવસે બરફ વર્ષાનો સિલસિલો જારી થયો હતો જેને પગલે તાપમાન નીચે આવ્યુ હતું. લાહૌલ સ્પિતી જીલ્લામાં 4 થી 5 સેમી બરફ વરસ્યો હતો.
રાજયનાં અંબામાં પણ વરસાદ અને હિમવર્ષાથી જનજીવન પ્રભાવીત બન્યુ હતું અને ઠંડીનો પ્રકોપ જણાયો હતો. 150 થી વધુ ગામડાઓમાં વિજ પુરવઠો કપાયો હતો યાંગી, ડેલહાઉસી, જેવા પ્રવાસ સ્થળોએ પરિવહન પણ ઠપ્પ થયુ હતું. મનાલી-લેહ માર્ગ પણ ઠપ્પ થયો હતો અને 410 વાહનો ફસાઈ ગયા હતા.

