૬ દિવસીય કેમ્પમાં ગીર સોમનાથ જિલ્લાના ૨૬૨ વિદ્યાર્થીઓને તજજ્ઞો દ્વારા અપાઈ રહેલ અનેકવિધ તાલીમ-પ્રત્યક્ષ નિદર્શન
Prabhaspatan તા. ૨૧
ગીર-સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા સોમનાથ ડોરમેટરી ખાતે છ દિવસીય ‘સ્ટુડન્ટ્સ પોલિસ કેડેટ કેમ્પ ’નો પ્રારંભ થઈ ચૂક્યો છે. ગઈકાલથી શરૂ થયેલ આ કેમ્પ ૨૫મી મે સુધી ચાલશે.
જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાના નિર્દેશ અનુસાર ઈન્ચાર્જ પો.વડા બી.એસ. વ્યાસના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલ આ કેમ્પમાં ગીર-સોમનાથના છ તાલુકાઓના ધો. ૮ અને ૯ના બાળકોના આઠ સ્કવોડ સાથે સમાવેશ કરવામાં આવેલ છે. જેમાં નવાબંદર, ઊના, વેરાવળ, ગીરગઢડા, સોમનાથ મરીન, પ્રભાસપાટણ, સૂત્રાપાડા સહિતના કુલ ૨૬૨ છોકરા-છોકરીઓ ભાગ લઈ રહ્યા છે. જેમાં ૧૬૨ દીકરી અને ૧૦૦ દીકરાનો સમાવેશ થાય છે.
સુરક્ષા સોસાયટી દ્વારા દર વરસે સમર વેકેશનમાં આવા કેમ્પો યોજવામાં આવે છે. સમર કેમ્પના ઈર્ન્ચાજ પીએસઆઈ પી.પી. પ્રજાપતિ વુમન પીએસઆઈ બી.કે. રાઠોડ ઈન્સ્ટ્રકટરો સાથે કેમ્પમાં ભાગ લઈ રહેલા વિદ્યાર્થી ભાઈ-બહેનોને તાલીમ આપી રહ્યા છે. જેમાં માર્શલ આર્ટ, ડીઝાસ્ટર મેનેજમેન્ટ, વિવિધ રમત-ગમતો, વોલીબોલ, ક્રિકેટ રાત્રે રાસગરબા, સાંસ્કૃતિક કાર્યક્રમો, સફાઈ, વૃક્ષારોપણ, પોતાનામાં પડેલી કળાને વિકસાવવી, પોલીસ સ્ટેશનો અને ચેકપોસ્ટોનું પ્રત્યક્ષ નિદર્શન આતંકવાદ કે પૂર-ભૂકંપ સમયે સાવચેતી અંગે સંબોધન-નિર્દેશન તજજ્ઞો દ્વારા કરવામાં આવે છે. દરરોજ કસરત માટે ખાખીપેન્ટ, બ્લુ નાઈટી, વ્હાઈટ ટી-શર્ટ આપવામાં આવે છે.
આ યોજનાનો હેતુ એ છે કે, ભારતના નાગરિકો જ હશે ત્યારે તેઓમાં હકારાત્મક વિચારો કેળવાય અને પોલીસ અને પ્રજા વચ્ચે મજબૂત સંબંધો અને સમજ વિકસે તથા તેઓના અંગત જીવનમાં આ તાલીમ દ્વારા તેઓનું કૌશલ્ય વધે.
આ તાલીમ દરમિયાન પોલીસના એમ.ટી. વિભાગ તરફથી ચાર વાહનો પણ સુવિધા માટે ફાળવાયા છે.