Junagadh,તા. ૬
જુનાગઢ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા છે. માણાવદર પંથકમાં “તું ચૂંટણીમાં રસ લેતો નહીં અને આડો આવતો નહીં” એમ કહીને સરાડીયા ગામના પૂર્વ સરપંચના જૂથ દ્વારા એક યુવક પર હુમલો કરી, પગ ભાંગી નાખ્યા હોવાનું પોલીસ દફતરે નોંધાયું છે.
માણાવદરના સરાડીયા ગામમાં ક્રિષ્ના ડેરી ચલાવતા વેપારી યુવક મનદીપ અમૃતભાઈ કેલૈયા એ આ વખતે ગ્રામ પંચાયતની ચુંટણીમાં સરપંચ પદ માટે ફોર્મ ભર્યું હતું, અને તેમના પર હુમલો થાય તેવી ભીતિ હતી, જેથી મનદીપ અને અન્ય એક વ્યક્તી બને બાઈક ઉપર માણાવદર પોલીસ સ્ટેશન જતા હતા. ત્યારે સરાડીયાના પૂર્વ સરપંચ જૂથના ગોવિંદ જેઠા વરુ, કાના વરુ, અલ્કેશ કાના વરુ એ મનદીપની બાઈક આંતરી, તું કેમ ચુંટણીમાં રસ લે છો, ચુંટણીમાં રસ લેતો નહી, અને આડો આવતો નહી, તું ચુંટણીમાંથી હટી જાજે, નહિતર મારી નાખીશું તેવી ધમકી આપી, લોખંડના પાઈપ અને લોખંડની એન્ગલ વડે હુમલો કરીને મનદીપ કેલૈયાના બને પગ ભાંગી નાખ્યા હતા અને એક હાથમાં પણ ફ્રેકચર કરી નાખતા મનદીપને જુનાગઢ ની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવેલ છે.
આ ઘટના અંગે મનદીપ અમૃતભાઈ કેલૈયા એ ગોવિંદ જેઠા વરુ, કાના વરુ, અલ્કેશ કાના વરુ સામે હુમલો કર્યા અંગેની તથા ભરત જેઠા વરુ અને ગોવિંદનો સાળો વલ્લભભાઇ એ આરોપી ત્રણેય શખ્સોને લોખંડના પાઇપો આપી, મદદગારી કરી હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પાંચ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અને ત્રણ શખ્સોને પોલીસે ઝડપી લીધા છે.

