Vadodara,તા.02
વડોદરા શહેરના જૂના પાદરા રોડ પર આવેલી GEB સ્કૂલમાં ભણતા માધ્યમિક વિભાગના એક વિધાર્થીને બીજા વિધાર્થીએ ફેંકેલી પેન આંખમાં વાગી જતા ગંભીર ઇજા થઈ છે.
ઇજાગ્રસ્ત વિધાર્થીના વાલી વીજ કંપનીમાં નોકરી કરે છે. તેમણે કહ્યું હતું કે, ક્લાસમાં શિક્ષક હાજર હતા અને વિધાર્થીઓ મસ્તી કરી રહ્યા હતા તે સમયે એક વિધાર્થીએ ફેંકેલી પેન મારા દીકરાની આંખમાં વાગી હતી. સ્કૂલ સંચાલકોએ તેને હોસ્પિટલ લઈ જવાની જગ્યાએ મને ફોન કરીને સ્કૂલે બોલાવ્યો હતો અને ત્યાં સુધી તેમણે રાહ જોઈ હતી. એ પછી હું મારા દીકરાને હોસ્પિટલમાં લઈ ગયો હતો. જ્યાં તેની આંખનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. આંખને કેટલું નુકસાન થયું છે તે તો થોડા દિવસ પછી ખબર પડશે પણ આ મામલામાં સ્કૂલની બેદરકારી છે જ અને અમે આચાર્યને રજૂઆત પણ કરી છે.બીજા કોઈના બાળક સાથે આવું ન થવું જોઈએ.બીજી તરફ સ્કૂલના આચાર્યે કહ્યું હતું કે શિક્ષક બાળકોનું હોમવર્ક ચેક કરી રહ્યા હતા અને તે વખતે આગલી બેન્ચ પર બેઠેલા વિધાર્થીએ નીચે પડેલી પેન ઉઠાવીને પાછળ ફેંકી હતી અને ત્યાં બેઠેલા બાળકને આંખમાં વાગી હતી. આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. બાકી સ્કૂલમાં બાળકો શિસ્ત જાળવે તેની પૂરી કાળજી લેવામાં આવે છે. રીસેસમાં પણ મેદાનમાં અને લોબીમાં શિક્ષકોને તૈનાત કરવામાં આવે છે. જેથી બાળકો પર નજર રાખી શકાય.

