બનાવ અંગેની પ્રાથમિક વિગતો એવી છે કે, પાલિતાણાના શક્તિનગર વિસ્તારમાં આજે બપોરના ૧૨.૩૦થી ૧ કલાકના સમયગાળા દરમિયાન દિશાબેન સાગરભાઈ સરવૈયા (ઉ.વ.૨૭)ની તેમના પતિ સાગર ચનાભાઈ સરવૈયાએ પોતાના જ ઘરમાં છરીના ૧૪ ઘા ઝીંકી હત્યા કરી દીધી હતી. બનાવની જાણ થતાં પાલિતાણા ટાઉન પીઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહનો કબ્જો લઈ પીએમ અર્થે હોસ્પિટલ મોકલ્યો હતો. બીજી તરફ મૃતકના પતિ સાગર ચનાભાઈ સરવૈયાની પોલીસે અટક કરી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. બનાવ અંગે વિશેષ વિગત આપતાં ભાવનગર જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું કે, વર્ષ-૨૦૧૯માં બન્નેએ પ્રેમ લગ્ન કર્યા હતા.પત્નીના લગ્નેત્તર સંબંધની શંકા રાખી પતિ પત્ની સાથે ઝઘડો કરતો હતો જેના કારણે બન્ને વચ્ચે છેલ્લા થોડા સમયથી ઘરેલું ઝઘડા વધ્યા હતા. દરમિયાનમાં આજે બપોરે પતિ સાગરે તેની પત્ની દિશાબેનના પેટ તથા શરીરના અન્ય ભાગોમાં છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી. હત્યા બાદ આરોપી પતિ ઘરે જ મળી આવ્યો હતો. જેની પોલીસે અટક કરી હોવાનું તોેમણે વિગતો આપતાં ઉમેર્યું હતું.અત્રે ઉલ્લેખનિય છે કે, છેલ્લા ૯ દિવસમાં ભાવનગર શહેર અને જિલ્લામાં હત્યાનો આ ચોથો બનાવ છે. ગત સપ્તાહે બુધવારના રોજ યુવક અને શુક્રવારના રોજ સિહોરના કનિવાવ નજીક વાડીમાં દંપતિની હત્યાના બનાવ બાદ આજે પાલિતાણામાં હત્યાનો બનાવ બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.