Ahmedabad તા.12
ગુજરાત તથા ફરિદાબાદમાંથી મોતના સામાન સાથે આતંકવાદીઓની ધરપકડના કલાકોમાં જ દિલ્હીમાં થયેલા પ્રચંડ બ્લાસ્ટને ફિદાયીન એટેક જ ગણવામાં આવી રહ્યો છે. જયારે ત્રણેય ઘટનાક્રમ એકબીજા સાથે કનેકશન ધરાવે છે કે કેમ તે દિશામા પણ તપાસનીસ ટીમોએ તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.
ગુજરાત એટીએસની ટીમ દિલ્હીમાં તપાસ માટે પહોંચી છે. ત્યારે ઉતરપ્રદેશ અને રાજસ્થાનની એટીએસ ટીમો તપાસ માટે ગુજરાત આવી છે. ગુજરાતમાંથી પકડાયેલા આતંકવાદીઓનાં તાર રાજસ્થાન સાથે જોડાયેલા હોવાનું બહાર આવ્યું છે.
ગુજરાત એટીએસ ઉપરાંત રાજસ્થાન-યુપીની ટીમો પણ પોતપોતાનાં જુદા જુદા એન્ગલથી તપાસ કરી રહી છે અને તેમાં અનેક નવા ખુલાસા થવાની પણ આશંકા વ્યકત કરવામાં આવી રહી છે.
તપાસમાં જાણવા મળ્યું હતું કે, ત્રણેય આતંકી જે વિસ્તારમાં રહેતા હતા તે વિસ્તારમાં કટરવાદીઓનો પ્રભાવ હતો. હૈદરાબાદમાં આતંકી ડોક્ટર અહેમદ સૈયદે કટ્ટરવાદી વિચારધારા વાળા સભ્યોને પોતાની ટીમ બનાવવા માટે ત્રણ યુવાનો પાસે શપથ પણ લેવડાવ્યા હતા.
અહેમદ સૈયદ પોતાની એક મોટી ટીમ બનાવવાની ફિરાકમાં હતો. ત્રણેય આતંકીઓની મોબાઇલ ડેટાની રિકવરી કરવામાં આવી રહી છે. મોબાઈલ ડેટા રીકવર થયા બાદ અનેક રહસ્ય પણ બહાર આવી શકે છે.
ATSની ટીમ દ્વારા ત્રણેય આતંકીઓને અડાલજ અને છત્રાલ પાસે લઈ જઈને તપાસ કરવામાં આવી હતી. આતંકી આઝાદ અને સોહેલને કલોલના છત્રાલ પાસે લઈ જઈને પંચનામું કરવામાં આવ્યું હતું. જ્યારે અહેમદ સૈયદને અડાલજ પાસે લઈ જઈને તપાસ કરવામાં આવી હતી. ગુજરાત ATSની ટીમ હવે દિલ્હી જઈને આતંકીઓની સંડોવણી અંગે વધુ તપાસ કરશે.
ATSના DySP શંકર ચૌધરી અને કે. કે. પટેલને બાતમી મળી હતી કે હૈદરાબાદથી એક આતંકવાદી અમદાવાદમાં હથિયારો કલેક્ટ કરવા આવ્યો છે, જેથી ટીમ કામે લાગી હતી અને અડાલજ ટોલનાકા પાસેથી પ્લાન બનાવી ગાંધીનગર પોલીસની મદદથી હૈદરાબાદથી આવેલા આતંકવાદી ડો. એહમદ મોહ્યુદ્દીન સૈયદને ઝડપી લીધો હતો.
તેની ગાડીમાંથી ત્રણ વિદેશી ઓટોમેટિક ગન અને 30 કારતૂસ મળી હતી. તેને હથિયાર આપવા માટે આવેલા ઉત્તરપ્રદેશના બે આતંકવાદી સુહેલ અને આઝાદ સુલેમાનને પણ પોલીસે પાલનપુરથી ઝડપી લીધા હતા.
અત્રે ઉલ્લેખનીય છે, આતંકીઓની પૂછપરછમાં સામે આવ્યું કે આતંકી ડો. મોહ્યુદ્દીન દોઢેક મહિના પહેલાં પણ અમદાવાદ આવ્યો હતો અને એક પાર્સલમાં રૂપિયા લઇને પરત ગયો હતો. મોહ્યુદ્દીન માટે હનુમાન ગઢથી હથિયાર લઇને આવેલા ઉત્તરપ્રદેશના સુહેલ તથા આઝાદ સુલેમાનને ચોક્કસ જગ્યાએથી હથિયાર કલેક્ટ કરીને કલોલ પહોંચવાનો આદેશ મળ્યો હતો.
હથિયાર જે-તે સ્થળે કોણે મૂક્યાં હતાં? એની તપાસ ચાલે છે. પ્રાથમિક તપાસમાં તપાસ એજન્સી એવા તારણ પર પહોંચી છે કે હનુમાન ગઢ પાકિસ્તાની બોર્ડર સાથે જોડાયેલો જિલ્લો છે, જેને પગલે ડ્રોનથી હથિયાર બોર્ડર ક્રોસ કરાવીને મોકલ્યાં હતાં, જ્યાંથી આતંકવાદીઓના માણસે એ હથિયારો ચોક્કસ જગ્યાએ મુકાવ્યાં હતાં.
ડો. મોહ્યુદ્દીન અને તેના એક્સપર્ટ માણસોની ટીમ દ્વારા સાયનાઇડ કરતાં પણ ઘાતકી રાઇઝિન નામનું ઝેર તૈયાર કરવામાં આવી રહ્યું હતું, જેના મારફત તેઓ મોટો નરસંહાર કરવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા. તેઓ પાઉડર ફોમમાં ખાવા-પીવાની વસ્તુઓમાં અને લિક્વિડ ફોમમાં પાણીમાં ભેળવી દઇને મોટો અંજામ આપવા માગતા હતા, જે પહેલા જ તેમને ઝડપી લેવામાં આવ્યા છે.
એશિયાના ઘણા દેશોમાં ઇસ્લામિક સ્ટેટ ખોરસન પ્રોવિન્સ નામનું આતંકવાદી સંગઠન એક્ટિવ છે. અફઘાનિસ્તાનમાં બેઠેલો તેમનો લીડર આબુ ખજેદા તમામ આતંકવાદીઓે જુદા-જુદા આદેશ આપી કામ કરાવતો હતો. આ સંગઠનના આતંકવાદીઓ ગુજરાત સહિત દેશભરમાં સક્રિય છે, હવે તેમની તપાસ ચાલી રહી છે. અગાઉ પણ ગુજરાતમાં આ આતંકવાદી સંગઠનના માણસોને ઝડપી લેવામાં આવ્યા હતા.

