New Delhi,તા.09
ભારતમાં ઇલેક્ટ્રિક સ્કૂટરનો ક્રેઝ હવે માત્ર મુંબઈ, દિલ્હી કે બેંગલુ જેવા મોટા મેટ્રો શહેરો પૂરતો મર્યાદિત નથી રહ્યો. દેશનાં નાનાં શહેરો, ટાઉન અને ગ્રામીણ વિસ્તારોમાં પણ હવે ઇલેક્ટ્રિક સ્કૂટરનું વેચાણ ખૂબ ઝડપથી વધી રહ્યું છે.
આ બદલાવ દર્શાવે છે કે ઇલેક્ટ્રિક વાહનો હવે માત્ર શોખની વસ્તુ નથી રહ્યાં, પરંતુ સામાન્ય લોકોની રોજિંદી જરૂરિયાત બની ગયા છે. પૂણે, વડોદરા, સુરત અને વિશાખાપટ્ટનમ જેવા શહેરોનાં ડીલર્સના જણાવ્યાં અનુસાર, છેલ્લાં કેટલાક મહિનાઓમાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરની પૂછપરછ અને ખરીદીમાં મોટો ઉછાળો આવ્યો છે.
આ તેજી પાછળનું મુખ્ય કારણ પેટ્રોલના સતત વધતાં ભાવ અને ટેક્નોલોજી પર વધતો લોકોનો ભરોસો છે. પહેલાં લોકો ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદતા અચકાતા હતા, પણ હવે તેનાથી થતી મોટી બચતને કારણે મધ્યમ વર્ગનાં પરિવારો તેને એક ઉત્તમ વિકલ્પ માની રહ્યાં છે.
એથર એનર્જી જેવી મોટી કંપનીઓનું કહેવું છે કે ટાયર-2, ટાયર- 3 અને ટાયર-4 જેવા નાના શહેરોમાંથી અણધારી માંગ આવી રહી છે. ખાસ કરીને જે વિસ્તારોમાં પહેલાં સામાન્ય પેટ્રોલ સ્કૂટર્સ વધુ ચાલતા હતા, ત્યાં જ હવે ઇલેક્ટ્રિક સ્કૂટરની લોકપ્રિયતા સૌથી ઝડપથી વધી રહી છે.
બજારનાં આ નવા પ્રવાહે ઇલેક્ટ્રિક વાહન ઉદ્યોગનું આખું ચિત્ર બદલી નાખ્યું છે. શરૂઆતનાં દિવસોમાં નવી નવી સ્ટાર્ટઅપ કંપનીઓએ નવી ટેક્નોલોજી લાવીને મોટા શહેરોમાં દબદબો બનાવ્યો હતો. પરંતુ હવે જ્યારે આ વાહનો નાના ગામડાઓ સુધી પહોંચી રહ્યાં છે, ત્યારે બજાજ, ટીવીએસ અને હીરો મોટોકોર્પ જેવી જૂની અને જાણીતી કંપનીઓ મેદાન મારી રહી છે.
ગ્રાહકો હવે માત્ર નવી ટેક્નોલોજી જ નહીં, પરંતુ કંપનીનો ભરોસો, સર્વિસ સેન્ટરની સુવિધા અને સરળ લોન ક્યાંથી મળે છે તે જોઈને ખરીદી કરી રહ્યાં છે, જેમાં આ જૂની કંપનીઓ મોખરે છે.
નિષ્ણાતોના મતે ભારતમાં ઇલેક્ટ્રિક સ્કૂટરનો પહેલો તબક્કો નવી ટેક્નોલોજીના જોરે જીતાયો હતો, પરંતુ હવે બીજો તબક્કો દેશનાં ખૂણે-ખૂણે પહોંચવા એટલે કે રીચ અને સર્વિસના જોરે જીતાશે. બજારમાં હવે ફેમિલીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવતાં સ્કૂટર્સની માંગ વધી રહી છે.
આગામી સમયમાં ઇલેક્ટ્રિક સ્કૂટર એ કોઈ અલગ કે ખાસ કેટેગરી નહીં રહે, પરંતુ તે ભારતનાં સામાન્ય ટુ-વ્હીલર માર્કેટનો જ એક મુખ્ય હિસ્સો બની જશે તે નક્કી છે.

