Bhavnagar,તા.16
અમદાવાદમાં બનેલી હૃદયદ્રાવક વિમાન દુર્ઘટનામાં ગઢડા તાલુકાના અડતાળા ગામના આશાસ્પદ યુવાન અને તેમના વાગ્દત્તાનું કરૂણ મોત થયું હતું. ડીએનએ રિપોર્ટના આધારે ઓળખ થયા બાદ પરિવારને યુવાનનો મૃતદેહ સોંપવામાં આવતા આજે ભારે હૈયે અને ગમગીની વચ્ચે યુવાનની તેના વતનમાં અંતિમવિધિ કરવામાં આવી હતી.
ગઢડા (સ્વામીના) તાલુકાના અડતાળા ગામના યુવાન હાર્દિકભાઈ દેવરાજભાઈ અવૈયા (ઉ.વ.૨૭) અને તેમના ભાવિ પત્ની વિભૂતિબેનનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થતાં યુવકના મૃતદેહની ઓળખ માટે તેમના મોટાભાઈનું ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યું હતું. જે ડીએનએ સેમ્પલ મેચ થતાં ત્રીજા દિવસે મૃતદેહને તેમના પરિવારજનોને સોંપવામાં આવતા આજે રવિવારે વહેલી સવારે હતભાગી યુવાનના મૃતદેહને અડતાળા ગામે લાવવામાં આવતા ગામમાં ભારે ગમગીની છવાઈ હતી.