Vadodara,તા.10
વડોદરા શહેરમાં પાણીગેટ વિસ્તારમાં રાજારાણી તળાવ પાસેથી પસાર થતી આજવાથી પાણીગેટ ટાંકી થઇ ચાર દરવાજા વિસ્તારમાં આવતી 70 વર્ષ જૂની પાણીની લાઇનમાં ભંગાણ પડતા લાખો લીટર પાણીનો જથ્થો વેડફાયો હતો. એટલું જ નહી પૂરની પરિસ્થિતિ હોય તે રીતે આજુબાજુની સોસાયટી અને વસાહતોમાં પાણી ફરી વળ્યા હતા. કોર્પોરેશનના તંત્રને જાણ થતા સ્થળ પર પહોંચી જઈ સમારકામની કામગીરી શરૂ કરી હતી જે આજે સવારે 9 વાગે પૂરી થઈ હતી.
વડોદરા શહેરના પૂર્વ વિસ્તારને પાણી પુરૂ પાડતા આજવા સરોવરમાંથી ગાયકવાડી સમયની 70 વર્ષ જૂની પાણીની લાઈન પાણીગેટ ટાંકી થઈ શહેરના ચાર દરવાજા વિસ્તારમાં પસાર થાય છે. પાણીની લાઈન ગઈકાલે મોડી સાંજે રાજારાણી તળાવ પાસે તૂટતા ભંગાણ પડયું હતું. પાણીનો જથ્થો આજુબાજુની આવેલી ગૌરવ સોસાયટી, અનુરાધા સોસાયટી, ગીરીરાજ સોસાયટી સહિત વસાહતોમાં ફરી વળતા પાણી ઘુંટણ સમા પાણી ભરાયા હતા. કેટલાક ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા હતા.
લાઈનમાં ભંગાણ પડતા સમગ્ર વિસ્તારનુ પાણી છેક અજબડી મિલ સુધી પહોંચી ગયુ હતું. આજુબાજુના વિસ્તારોના મકાનોમાં પણ પાણી ભરાયા હતા. જ્યારે સોસાયટીના મુખ્ય રસ્તા પર ઘુંટણસમા પાણી ભરાઈ જવાથી પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. દર વખતે શહેરમાં અવારનવાર પાણીની લાઈનમાં ભંગાણ પડે છે ત્યારે ચોમાસા જેવી પરિસ્થિતિ સર્જાતી રહે છે પરંતુ સોમવારે જે રીતે પાણીની લાઈનમાં ભંગાણ પડયું જેથી પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી.
છેલ્લા વીસ વર્ષમાં સૌથી મોટું પાણીની લાઈનમાં ભંગાણ
વડોદરા શહેરમાં વર્ષો જૂની લાઈન હોય કે નવી લાઇન હોય તેમા અવારનવાર કોઇને કારણસર ભંગાણ પડતા રહે છે. જે રીતે પાણીની લાઈનમાં ભંગાણ પડ્યું અને ચોમાસા જેવી પરિસ્થિતિ નહી પરંતુ પૂર જેવી પરિસ્થિતિ પ્રથમવાર સર્જાઇ છે તે જોતા 20 વર્ષમાં પહેલીવાર પાણીની લાઈનમાં આટલુ મોટુ ભંગાણ સર્જાયું હોય તેમ માનવામાં આવે છે. થોડા વર્ષ પહેલા ભૂરત્નમ નામના કોન્ટ્રાકટરે આજવાથી આવતી નવી નાંખેલી પાણીની લાઈનમાં મોટુ ભંગાણ પડયું હતું પરંતુ આ રીતે પાણી ચારેબાજુ ફરી વળ્યુ ન હતુ.
પરંતુ આ વખતે સૌથી વધુ પાણી વહી જતા પરિસ્થિતિ પૂર જેવી સર્જાઈ હતી. વડોદરા શહેરમાં કોર્પોરેશન દ્વારા થોડા વખત પહેલા શહેરમાં જ્યાં કોઈ પાણીની લાઈનમાં લીકેજ હોય તેની જાણ લોકો દ્વારા કરવામાં આવે તે માટે હેલ્પ લાઇન નંબર આપવામાં આવ્યો હતો, પરંતુ તે પણ છેલ્લા કેટલાક સમયથી ઉપયોગ થતો બંધ થઈ ગયો છે.
પાણીની 70 વર્ષ જૂની લાઈન સમારકામ કરવામાં મુશ્કેલી : 12 કલાક કામ ચાલ્યું
પાણીગેટ રાજારાણી તળાવની વચ્ચેથી પસાર થતી પાણીની 70 વર્ષ જૂની 750 એમએમની લાઈનમાં ગઈકાલે મોડી સાંજે ભંગાણ પડયાની જાણ કોર્પોરેશનને થતાં તાત્કાલિક પાણી બંધ કરી સમારકામ હાથ ધર્યું હતું જેના માટે બે ટીમ કામે લગાડી હતી.
આજવા સરોવરથી પાણીગેટ ટાંકી થઈ વડોદરા ચાર દરવાજા વિસ્તારમાં આવતી પાણીની લાઈનમાં ભંગાણ પડયાની જાણ થતા કોર્પોરેશને સ્થળ પર પહોંચી જઈ કામગીરી શરૂ કરી છે. જે અંગે કાર્યપાલક ઈજનેર ધાર્મિક દવે અને હેમલ રાઠોડે જણાવ્યું હતું કે, વડોદરા શહેરના રાજારાણી તળાવ પાસે 70 વર્ષ જૂની પાણીની લાઈન હોવાથી અચાનક તેમાં લીકેજ થયું હતું અને સતત પાણી વહેતુ રહેતા તાત્કાલિક પાણીગેટ ટાંકીથી પાણી બંધ કરાવ્યું હતું અને વર્ષો જૂની લાઇન હોવાથી સમારકામ માટે બે ટીમો બનાવવામાં આવી હતી.
તાત્કાલિક અસરથી કામગીરી શરૂ કરવામાં આવી છે જે જૂની લાઇન હોવાથી ટેકનિકલ રીતે વેલ્ડીંગ તેમજ અન્ય કામગીરી વિલંબ થયો હતો. પાઇપલાઇનની સમારકામની કામગીરી ગઈકાલે રાત્રે 9:00 વાગે શરૂ કરી હતી જે આજે સવારે 9:00 વાગ્યા સુધી કામગીરી પૂર્ણ થઈ હતી હવે ભવિષ્યમાં આ પાઇપલાઇન બદલવાની પણ કામગીરી કરવી પડશે.

