New Delhi,તા.02
બિહારના માત્ર 14 વર્ષીય સ્ટાર ક્રિકેટર વૈભવ સૂર્યવંશીએ ફરી એકવાર ક્રિકેટ જગતને ચોંકાવી દીધું છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (SMAT) 2025માં મહારાષ્ટ્ર વિરુદ્ધની મેચમાં વિસ્ફોટક સદી ફટકારીને વૈભવે પોતાના નામે વધુ એક વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે. તે 14 વર્ષની ઉંમરે ત્રણ T20 સદી ફટકારનાર દુનિયાનો એકમાત્ર ખેલાડી બની ગયો છે.કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી આ મેચમાં, વૈભવે ઓપનિંગમાં આવીને માત્ર 58 બોલમાં પોતાની કારકિર્દીની ત્રીજી T20 સદી પૂરી કરી હતી. તે 61 બોલમાં 7 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 108 રન બનાવીને અણનમ રહ્યો હતો. તેની આ શાનદાર ઇનિંગ્સના બળે બિહારની ટીમે 3 વિકેટે 176 રન બનાવ્યા હતા. આ સદી સાથે, વૈભવ માત્ર 14 વર્ષ અને 250 દિવસની ઉંમરે SMATમાં સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન પણ બની ગયો છે.
વૈભવની આ ત્રીજી T20 સદી ત્રણ અલગ-અલગ મોટી ટૂર્નામેન્ટમાં આવી છે, જે તેની પ્રતિભા દર્શાવે છે:
IPL 2025: રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા લખનઉ સુપર જાયન્ટ્સ સામે માત્ર 35 બોલમાં સદી ફટકારી હતી.
રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપ: UAE સામે માત્ર 32 બોલમાં સદી ફટકારીને 42 બોલમાં 144 રનની યાદગાર ઇનિંગ રમી હતી, જે તેનો T20માં સર્વોચ્ચ સ્કોર છે.
SMAT 2025: બિહાર તરફથી રમતા મહારાષ્ટ્ર સામે 58 બોલમાં સદી ફટકારી.
આ સિવાય પણ વૈભવના નામે અનેક રેકોર્ડ છે. તે 35 બોલ કે તેથી ઓછા બોલમાં બે T20 સદી ફટકારનાર દુનિયાનો એકમાત્ર બેટ્સમેન છે. તે 13 વર્ષની ઉંમરે IPL કોન્ટ્રાક્ટ મેળવનાર સૌથી યુવા ખેલાડી પણ છે, જ્યારે રાજસ્થાન રોયલ્સે તેને 1.1 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ પહેલા તે ભારતની અંડર-19 ટીમ માટે પણ 58 બોલમાં સદી ફટકારી ચૂક્યો છે અને બિહારના અંડર-19 ટુર્નામેન્ટમાં ત્રેવડી સદી (332* રન) પણ નોંધાવી ચૂક્યો છે.

