Mumbai,તા.09
ટી-20 ફોર્મેટ આઈપીએલમાં 72 સિક્સર અને 776 રન સાથે ફાસ્ટ ટ્રેક રીતે ટીમ ઈન્ડિયામાં સામેલ થયેલાં વૈભવ સૂર્યવંશીના દરેક અંદાજ પર ક્રિકેટ જગતની નજર છે. એટલા માટે જ વૈભવ જ્યારે શ્રીલંકામાં ઈન્ડિયા ‘એ’ માટે બ્લુ જર્સીમાં મેદાને ઉતર્યા, ત્યારે સોની એ આ ટ્રાય-સિરીઝના ખાસ પ્રસારણનો નિર્ણય લીધો.
દાંબુલાની પિચ પર કાળઝાળ ગરમી, તેજ પવન અને બદલાયેલી પિચ પર પણ વૈભવનો આક્રમક અંદાજ યથાવત રહ્યો. મેદાન, પિચ, પરિસ્થિતિ અને બોલર બદલાયા, પણ વૈભવનો અંદાજ ન બદલાયો.
ફરી પ્રથમ બોલે ચોગ્ગો
વૈભવે 2025માં પોતાની આઈપીએલ કરિયરની શરૂઆત શાર્દુલ ઠાકુરના બોલ પર સિક્સર ફટકારીને કરી હતી. ત્યારબાદ 2026માં તો જસપ્રિત બુમરાહથી લઈને પેટ કમિન્સ જેવા દિગ્ગજોના પ્રથમ બોલ પર જ સિક્સર ફટકારી દીધી હતી. શ્રીલંકામાં રમાઈ રહેલી ટ્રાય-સિરીઝમાં વૈભવ સૂર્યવંશીએ 31 વર્ષના મોહમ્મદ શિરાજનો પણ એ જ અંદાજમાં સામનો કર્યો.
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 186 વિકેટ ઝડપી ચૂકેલા મોહમ્મદ શિરાજના પ્રથમ બોલ પર જ વૈભવ સૂર્યવંશીએ ચોગ્ગો ફટકારી દીધો. તેઓ અહીં જ ન અટક્યા. શિરાજની આ જ ઓવરના ત્રીજા બોલ પર પણ તેમણે જોરદાર બેટ ફેરવ્યું અને ચોગ્ગો મેળવવામાં સફળ રહ્યાં.
શ્રીલંકા તરફથી ત્રીજી ઓવર ફેંકવા આવેલા કણારત્નેના બોલ પર પણ તેમણે ચોગ્ગો માર્યો. આ રીતે આઉટ થતાં પહેલાં તેઓ આ ઓવરમાં કુલ ત્રણ ચોગ્ગા ફટકારવામાં સફળ રહ્યાં હતાં.
આ રીતે આઉટ થયા વૈભવ
વૈભવ શ્રીલંકા સામે સંભાળીને રમતાં જોવા મળી રહ્યાં હતાં. પરંતુ મેચની ચોથી ઓવરમાં શિરાજના એક બોલ પર વૈભવે પોતાનાં આગવા અંદાજમાં શોટ રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમને જોઈતું એલિવેશન મળી શક્યું નહીં.
શ્રીલંકન ‘એ’ ટીમના કેપ્ટન સહાન આરાચ્ચીગેએ મિડ-ઓફ પર વૈભવનો શાનદાર કેચ પકડીને તેમની ઇનિંગનો અંત આણ્યો. ભારતીય ચાહકો ચોક્કસપણે નિરાશ થયા હશે અને શિરાજ આ ક્ષણને લાંબા સમય સુધી યાદ રાખશે.
કોણ છે વૈભવના શિકારી શિરાજ?
કેન્ડીના 31 વર્ષીય મોહમ્મદ શિરાજે 66 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 186 વિકેટ ઝડપી છે, જ્યારે 64 લિસ્ટ ‘એ’ મેચોમાં તેમના નામે 96 વિકેટ અને 27 ટી-20માં 25 વિકેટ છે. શિરાજ 140 કિમી/કલાકની ઝડપે બોલિંગ ફેંકે છે.
શિરાજે 13 વર્ષની ઉંમરે કેન્ડીની મદીના સેન્ટ્રલ કોલેજથી પોતાની ક્રિકેટ કરિયરની શરૂઆત કરી હતી અને તેઓ શ્રીલંકાની મુખ્ય ટીમ માટે 2 વન-ડે મેચ રમીને એક વિકેટ પણ પોતાનાં નામે કરી ચૂક્યાં છે.

