Washington,તા.7
સ્ટ્રોમ બ્લેયર નામનું એક શક્તિશાળી શિયાળું વાવાઝોડું સમગ્ર યુનાઇટેડ સ્ટેટ્સમાં તબાહી મચાવી રહ્યું છે, જેનાં કારણે સાત અમેરિકન રાજ્યો કેન્સાસ, મિઝોરી, કેન્ટુકી, વર્જિનિયા, વેસ્ટ વર્જિનિયા, અરકાનસાસ અને ન્યૂ જર્સીના કેટલાક ભાગોમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. ધ્રુવીય વોર્ટેક્સ દ્વાર આ તોફાન પેદા થયું છે.
વોશિંગ્ટન, ડીસીમાં હિમવર્ષા, છૂટાછવાયાં વિસ્તારોમાં 16 ઇંચ સુધી પહોંચી શકે છે, જેમાં થીજી જતાં વરસાદ અને ઝરમર હિમવર્ષાથી અંધાધૂંધી વધી શકે છે. આ વાવાઝોડાને કારણે પહેલેથી જ ભારે હિમવર્ષા, ઠંડું તાપમાન, મુસાફરીમાં વિક્ષેપ પડયો છે અને 1300 થી વધુ ફ્લાઇટ કેન્સલેશન કરવામાં આવી છે અને 250000 થી વધુ ઘરો અને ઈમારતોની વીજળી બંધ થઈ છે.
1300 થી વધુ ફ્લાઇટો રદ્દ
શિયાળાનાં વાવાઝોડાને કારણે દેશભરમાં 1300 થી વધુ ફ્લાઇટ્સ રદ્દ કરવાની ફરજ પડી છે, જેનાં કારણે પ્રવાસીઓ અટવાયા છે. વોશિંગ્ટન, ડીસીના એરપોર્ટ સૌથી વધુ અસરગ્રસ્ત છે, જેમાં રીગન નેશનલ એરપોર્ટ 416, ડ્યુલ્સ ઈન્ટરનેશનલ 155 અને બાલ્ટીમોર-વોશિંગ્ટન ઈન્ટરનેશનલ 203 ફ્લાઈટ્સને કેન્સલ કરવી પડી છે.
250000 થી વધુ ધરોની વિજળી બંધ
યુએસ સરકારનાં જણાવ્યાં અનુસાર, વાવાઝોડાને કારણે નોંધપાત્ર પાવર આઉટેજ પણ થયું છે, જેમાં મધ્ય અને દક્ષિણ યુએસમાં 250000 લાખથી વધુ ઘરો અને વ્યવસાયિક ઈમારતો અંધારામાં છે.
હિમવર્ષાની ચેતવણીઓ
કેટલાક વિસ્તારોમાં હિમવર્ષાનો આંકડો ચાર ઈંચને વટાવી ગયો છે. વૂલ્સે, વર્જિનિયામાં 5.2 ઇંચ બરફ પડ્યો હતો, જ્યારે લા પ્લાટા, મેરીલેન્ડમાં સોમવારે સવાર સુધીમાં 4.2 ઇંચ બરફ પડ્યો હતો.નેશનલ વેધર સર્વિસે આગાહી કરી છે કે મધ્ય-એટલાન્ટિકના ભાગો અને વોશિંગ્ટન, ડીસીમાં તોફાન દરિયાકિનારે જાય તે પહેલાં 6-12 ઇંચ બરફ પડી શકે છે.
દક્ષિણ-પશ્ચિમ અને દક્ષિણ-મધ્ય અલાબામા, દક્ષિણપૂર્વ મિઝોરી અને ઉત્તરપશ્ર્ચિમ ફ્લોરિડા જેવાં પ્રદેશોમાં ભારે ઠંડીના જોખમો પર પ્રકાશ પાડતાં હવામાન વિભાગે ચેતવણી આપી છે કે, “જો સાવચેતી ન રાખવામાં આવે તો હાઈપોથર્મિયા શક્ય છે.” આ વિસ્તારોમાં પવનની ઠંડીનું પ્રમાણ – 8 ડીગ્રી સુધી ઘટી શકે છે.
કટોકટી જાહેર
કેન્સાસ, કેન્ટુકી, અરકાન્સાસ, વેસ્ટ વર્જિનિયા અને વર્જિનિયાના ગવર્નરોએ કટોકટીની જાહેરાત કરી છે, જેનાથી સંકટને પહોંચી વળવા સંસાધનોની એકત્રીકરણ કરવામાં મદદ મળે.
વર્જિનિયાના ગવર્નરની ઓફિસના પ્રવક્તાએ કહ્યું કે, “અમે સૌથી ખરાબ પરિસ્થિતિ માટે તૈયારી કરી રહ્યા છીએ. ઈલેક્ટ્રિક રિલાયબિલિટી કાઉન્સિલ ઑફ ટેક્સાસએ 6-10 જાન્યુઆરી સુધી હવામાનો રીપોર્ટ જારી કર્યો છે, જેમાં ઊર્જાની માંગમાં વધારો થવાની ચેતવણી આપવામાં આવી છે જેનાથી પાવર ગ્રીડ પર દબાણ વધશે.

