Bhavnagar, તા.6
ભાવનગરના હસ્તગીરી નજીક વાહન પલ્ટી જતાં એક મહિલાનું મોત નિપજ્યું છે ત્યારે 8 ને ઇજા પહોંચી છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના પીપરડી ગામની મહિલાઓ ગણેશ વિસર્જન કરીને પરત ફરતી વેળા પાલીતાણાથી હસ્તગિરી તરફ જતા રોડ પર વાહનના ડ્રાઈવરે કોઈ કારણોસર વાહન પરનો કાબૂ ગુમાવી દેતા વાહન પલટી ખાઈ ગયું હતું.
અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો અને પોલીસ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તમામ ઈજાગ્રસ્ત મહિલાઓને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
આ બનાવમાં અંજલીબેન દીપકભાઈ વાઘેલા નામની મહિલાનું મોત નિપજ્યું છે. બનાવની જાણ થતા કોળી સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ પહોંચી ગયા હતા. પોલીસ દ્વારા આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

