Jamnagar,તા ૧૦
જામનગરના રણમલ તળાવમાં ગઈકાલે એક યુવતીએ પાણીમાં ઝંપલાવી દઈ આત્મહત્યા કરી લીધી હતી. ફાયર બ્રિગેડની ટીમ બનાવના સ્થળે દોડી ગઈ હતી, અને તેણીને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેણી મૃત્યુ પામી હતી.
આ બનાવની જાણ થતાં સિટી એ. ડિવિઝનના પી.એસ.આઇ. ડી.જી રામાનુજ તળાવની પાળે તેમજ ત્યારબાદ જી.જી. હોસ્પિટલમાં પહોંચી ગયા હતા, અને અજ્ઞાત યુવતીના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ તેણીની ઓળખ કરવા માટેની કવાયત શરૂ કરી હતી.
દરમિયાન ગઈ રાત્રે તેની ઓળખ થઈ ચૂકી છે. જેનું નામ વંદનાબેન (ઉ.વ. ૩૦) અને સિંધી લોહાણા જ્ઞાતિ ની હોવાનું અને મૂળ ભુજ કચ્છ ની તેમજ હાલ જામનગરમાં પતિ અને સંતાન સાથે રહેતી હોવાનું જાણવા મળ્યું છે. જે છેલ્લા કેટલાક સમયથી માનસિક અસ્થિરતા ગુમાવી બેઠી હતી, અને તેણીની દવા પણ ચાલતી હતી. ઉપરાંત તે ખૂબ જ તામસી સ્વભાવની પણ હતી. દરમીયાન ગઈકાલે સવારે પોતાના પતિ સાથે ઝગડો થયા બાદ તેણી ઘર છોડીને ચાલી ગઈ હતી, અને રણમલ તળાવમાં જઈને આપઘાત નું પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે. સમગ્ર મામલામાં પી.એસ.આઇ. ડી.જી. રામાનુજ અને તેઓની ટીમ તપાસ ચલાવે છે. જોતક યુવતી ની માતા અને ભાઈ ભુજ કચ્છમાં રહેતા હોવાથી તેઓને પણ જામનગર બોલાવી લીધા છે.