Ahmedabad, તા.11
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટના ઇવેન્ટ સેન્ટર ખાતે ભવ્ય યોગ શિબિર યોજાઈ હતી. ’આંતરરાષ્ટ્રીય યોગ દિવસ – 2025’ની ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે ’સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત નિ:શુલ્ક ’યોગ શિબિર – કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ’નું આયોજન કરવામાં આવ્યું હતું.
વહેલી સવારે ખુશનુમા માહોલમાં 15 હજારથી વધુ શહેરીજનો આ યોગ શિબિરમાં સહભાગી બન્યા હતા. આ યોગ શિબિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત સર્વે મહાનુભાવોએ પણ યોગાભ્યાસ કર્યો હતો.
આ પ્રસંગે યુવા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા ગૃહ વિભાગના રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ’સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિરનું આયોજન થયું છે. આ અભિયાન અંતર્ગત આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર ગુજરાતના તમામ જિલ્લાઓ એક નવો ઇતિહાસ બનાવવા તરફ આગળ વધી રહ્યા છે.
આ યોગ શિબિરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન તેમજ યોગસેવક શિશપાલ રાજપૂત તેમજ યોગના પ્રખર નિષ્ણાતો દ્વારા યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનના વિવિધ અભ્યાસો અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.
યોગને જીવનનો અભિન્ન હિસ્સો બનાવવા અનુરોધ કરતા શિશપાલજી તથા રાજ્ય યોગ બોર્ડના સભ્યોએ યોગ અને પ્રાણાયામની કોમન પ્રોટોકોલ તાલીમ આપી નિયમિત વ્યાયામ, તણાવમુક્તિ માટે ધ્યાન, કામના ભારણ સાથે યોગ જેવા વિષયો ઉપર માર્ગદર્શન આપ્યું હતું.
આ યોગ શિબિરમાં અમદાવાદના મેયર પ્રતિભા જૈન, જિલ્લા પંચાયત પ્રમુખ કંચનબા વાઘેલા, અમદાવાદ પશ્ચિમના સાંસદ દિનેશભાઈ મકવાણા, સર્વ ધારાસભ્ય ઓ, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અગ્ર સચિવ એમ.થેન્નારસન, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ યોગસેવકો, યોગપ્રેમીઓ, શિક્ષકો, યુવાનો, વડીલો તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.