Gondal, તા. 14
ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે પર ભોજપરા પાસે બે પરપ્રાંતિય મજુર યુવાનો ગોંડલ થી બાઈક પર સેમળા જઇ રહ્યા હતા.ત્યારે બાઈક પર થી બેલેન્સ ગુમાવતા બન્ને ફંગોળાઇ જઇ રોડ પર પટકાયા હતા.જેમાં બાઈક ચાલક યુવાન પાછળ આવી રહેલા ટ્રક નાં પાછલા તોતિંગ વ્હીલ હેઠળ આવી જતા મોત નિપજ્યું હતું.જ્યારે બાઈક ની પાછળ બેઠેલો યુવાન ઇજાગ્રસ્ત બન્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ મુળ યુપીનાં ફરૂકાબાદ નાં અને હાલ સેમળા રહેતા મનોજ બલવીરસિંઘ રાજપૂત ઉ.20 તથા અજીત પ્રમોદભાઈ રાજપૂત ઉ.20 સવારનાં સુમારે બાઈક પર ગોંડલથી સેમળા જઇ રહ્યા હતા.ત્યારે ભોજપરા નજીક સપના સિઝન સ્ટોર પાસે રોડ પર ખાડો હોય બાઈક તારવવા જતા બેલેન્સ ગુમાવતા બન્ને બાઈક સહીત ફંગોળાઇ રોડ પર પટકાયા હતા.
દરમ્યાન પાછળ આવી રહેલા ટ્ર્ક નાં પાછલા વ્હીલ માં બાઈક ચાલક મનોજ રાજપૂત આવી જતા તેનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું.જ્યારે બાઈકની પાછળ બેઠેલા અજીત રાજપૂત ને ઇજા પંહોચી હતી.બનાવ ની જાણ થતા શિવમ સાર્વજનિક ટ્રસ્ટ નાં જયભાઈ માધડ એમ્બ્યુલન્સ સાથે ઘટના સ્થળે દોડી જઇ મૃતક તથા ઇજાગ્રસ્ત યુવાન ને ગોંડલ સિવિલ હોસ્પિટલે ખસેડ્યા હતા.
બન્ને યુવાનો ધેશ્યામ સ્પિન મિલ માં કામ કરતા હતા.અને અપરણીત હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે મૃતક યુવાનનો મૃતદેહ ટ્રકના પાછળના તોતિંગ વ્હીલ ફસાઈ જવા પામ્યો હતો અને જેક ની મદદથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં ગોંડલ બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પોહચી તપાસ હાથ ધરી હતી.

