અમેરિકાના ઊંચા ટેરિફના કારણે દેશના અનેક ઉદ્યોગો પર નકારાત્મક અસર થઈ રહી છે, જેમાં કટ અને પોલિશ્ડ ડાયમન્ડસની નિકાસ પણ સામેલ છે. એક રેટિંગ એજન્સીના તાજેતરના અહેવાલ મુજબ વર્તમાન નાણાકીય વર્ષ દરમિયાન ભારતમાંથી કટ તથા પોલિશ્ડ ડાયમન્ડસની નિકાસમાં લગભગ ૧૭થી ૨૦ ટકા સુધી ઘટાડો થવાની શક્યતા છે.
ટેરિફ વધતા ભારતીય ડાયમન્ડસની અમેરિકામાં કિંમત વધી ગઈ છે, જેનો બોજ અંતિમ ગ્રાહકો પર મૂકવામાં આવ્યો છે. ઊંચી કિંમતોને કારણે અમેરિકન બજારમાં ડાયમન્ડસની માંગ ધીમી પડી રહી છે. આથી ભારતની કટ તથા પોલિશ્ડ ડાયમન્ડસની નિકાસ ઘટીને આશરે ૧૧ અબજ ડોલર સુધી સીમિત રહેવાની ધારણા છે.
અમેરિકા ભારતના કટ અને પોલિશ્ડ ડાયમન્ડસ માટે સૌથી મોટું બજાર છે. વિશ્વમાં પોલિશ્ડ થતા ડાયમન્ડસના મૂલ્યના લગભગ ૯૦ ટકા ડાયમન્ડસનું પ્રોસેસિંગ ભારતમાં થાય છે, જ્યારે વૈશ્વિક માંગમાં અમેરિકાનો હિસ્સો લગભગ ૪૦ ટકા છે. કટ તથા પોલિશ્ડ ડાયમન્ડ ઉદ્યોગ ઓછી નફાકીય માર્જિન પર કાર્યરત હોવાથી ૫૦ ટકા સુધીના ઊંચા ટેરિફથી સંપૂર્ણ મૂલ્ય સાંકળ પર વધારાનો દબાણ સર્જાયો છે.