ભારતીય રિઝર્વ બેંક (RBI) ની મોનેટરી પોલિસી કમિટી (MPC) ની બેઠકમાં આજે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. MPC ના તમામ સભ્યોની સર્વસંમતિથી રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે, જેના કારણે નવો રેપો રેટ હવે 5.25 ટકા રહ્યો છે. આ પગલું સાફ બતાવે છે કે RBI હાલમાં મોંઘવારીના દબાણ કરતાં અર્થવ્યવસ્થાની વૃદ્ધિને વધુ મહત્વ આપી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે મોનેટરી પોલિસીની બેઠક 3 ડિસેમ્બરે શરૂ થઈ હતી અને આજે 5 ડિસેમ્બરે આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ લેવાયેલા નિર્ણયોની જાહેરાત કરી હતી.
રિઝર્વ બેંકના આ નિર્ણયથી ગ્રાહકોને બે મુખ્ય મોરચે રાહત મળવાની આશા છે. રેપો રેટ ઘટાડાથી બેંકોને સસ્તું ફંડિંગ મળશે, જેથી હોમ લોન, કાર લોન સહિત અન્ય લોનના EMI માં ઘટાડો થવાની શક્યતા છે. ઉપરાંત, વ્યાજ દરોમાં ઘટાડો બોન્ડ માર્કેટ માટે પણ સકારાત્મક સંકેત બની શકે છે, જે બજારમાં તરલતા વધારવામાં મદદરૂપ બનશે.
મોનેટરી પોલિસીની તાજેતરની જાહેરાતમાં RBI એ ભારતીય અર્થવ્યવસ્થાના વિકાસ અંગે આશાવાદી દૃષ્ટિકોણ રજૂ કર્યો છે. નાણાકીય વર્ષ 2026 (FY26) માટે GDP ગ્રોથનો અંદાજ 6.8 ટકા પરથી વધારીને 7.3 ટકા કરવામાં આવ્યો છે. RBI માને છે કે ભારતીય અર્થતંત્ર અપેક્ષાથી વધુ ઝડપે વૃદ્ધિ કરી શકે છે. સાથે જ ફુગાવા અંગે પણ મોટી રાહત જોવા મળી છે. FY26 માટે CPI આધારિત સરેરાશ ફુગાવાનો અંદાજ ઘટાડીને હવે માત્ર 2 ટકા કરવામાં આવ્યો છે, જે અગાઉ 2.6 ટકા હતો. ફુગાવામાં ઘટાડા પાછળ સપ્લાય-સાઇડ સુધારો અને છેલ્લા મહિનાઓમાં નોંધાયેલા નરમ ભાવ મુખ્ય કારણ છે.
વ્યાજ દરોમાં કપાત સાથે RBI એ બજારમાં તરલતા વધારવા માટે વધુ એક મોટો પગલું લીધું છે. ડિસેમ્બર મહિનામાં RBI દ્વારા ₹1 લાખ કરોડના સરકારી બોન્ડ OMO (ઓપન માર્કેટ ઓપરેશન) દ્વારા ખરીદવામાં આવશે. આ પગલાથી બજારમાં નાણાંની ઉપલબ્ધતા વધશે અને બોન્ડ યીલ્ડ પર સકારાત્મક અસર જોવા મળી શકે છે. સામાન્ય ગ્રાહકો માટે EMI ઘટવાની આશા અને બજાર માટે લિક્વિડિટી વધારવાના પ્રયાસો RBIની સંતુલિત નીતિ તરફ ઈશારો કરે છે.
આ ઉપરાંત, વર્ષ 2025 દરમિયાન રેપો રેટમાં અનેક પરિવર્તનો કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ત્રણ વખત રેપો રેટમાં ઘટાડો થઈ ચૂક્યો છે. 2025ની શરૂઆતમાં રેપો રેટ 6.25 ટકા હતો, જે હાલમાં 5.50 ટકા સુધી આવી ગયો હતો. આજે થયેલા નવા ઘટાડા સાથે રેપો રેટ હવે વધુ ઘટાડીને 5.25 ટકા પર પહોંચ્યો છે.

