એસબીઆઈના સ્ટડી અનુસાર, રિઝર્વ બેન્ક પોતાની આગામી મોનિટરી પોલિસી મીટિંગ (૨૯ સપ્ટેમ્બરથી ૧ ઓક્ટોબર) દરમિયાન રેપો રેટમાં ૦.૨૫% ઘટાડો કરી શકે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. કારણ કે રિટેલ ફુગાવો હાલના વર્ષ ઉપરાંત આવતા વર્ષે પણ નીચા સ્તરે જ રહેવાની ધારણા છે. ગત ફેબ્રુઆરીથી આરબીઆઈ અત્યાર સુધીમાં કુલ ૧૦૦ બેસિસ પોઈન્ટનો વ્યાજદર ઘટાડો કરી ચૂક્યું છે. જો કે ઓગસ્ટની મીટિંગમાં તેણે રેપો રેટ સ્થિર રાખ્યો હતો. હવે એસબીઆઈના ઈકોનોમિક રિસર્ચ વિભાગના અહેવાલ મુજબ, જૂન પછીથી દર ઘટાડવાની સંભાવના વધતી દેખાઈ રહી છે.
અહેવાલમાં જણાવાયું છે કે સપ્ટેમ્બરમાં વ્યાજદર ન ઘટાડવા માટે કોઈ મજબૂત કારણ દેખાતું નથી, કારણ કે ફુગાવાનો દર ઘટી રહ્યો છે અને આગામી નાણાકીય વર્ષમાં પણ નીચો જ રહેવાનો અંદાજ છે. જીએસટીમાં ઘટાડાની અસર ન ગણીએ તો સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં રિટેલ ફુગાવો ૨ ટકા કરતાં નીચે રહેશે. સ્ટડી મુજબ ૨૦૨૬-૨૭માં રિટેલ ફુગાવો સરેરાશ ૪ ટકા અથવા તેનાથી પણ ઓછો રહી શકે છે. જો જીએસટીને ગણતરીમાં લઈએ તો ઓક્ટોબરમાં ફુગાવાનો દર આશરે ૧.૧ ટકા સુધી ઘટી શકે છે, જે ૨૦૦૪ પછીનો સૌથી નીચો સ્તર ગણાશે.
જીએસટીમાં ફેરફારને કારણે રિટેલ ફુગાવો ૦.૬૫ થી ૦.૭૫% સુધી ઘટી શકે છે. વર્ષ ૨૦૧૯ના અનુભવ મુજબ તે સમયે પણ જીએસટી ઘટાડા બાદ થોડા મહિનામાં જ ફુગાવામાં ૦.૩૫%નો ઘટાડો થયો હતો. સાથે જ ફુગાવાના માપદંડમાં ફેરફારોને કારણે તેમાં વધારાના ૦.૨ થી ૦.૩%નો ઘટાડો થવાની શક્યતા છે. આ તમામ પરિબળોને જોતા, ચાલુ વર્ષ અને આવતા વર્ષ બન્નેમાં રિટેલ ફુગાવો આરબીઆઈના લક્ષ્યાંક કરતાં નીચો જ રહેવાની સંભાવના દર્શાવવામાં આવી છે.