અમેરિકા દ્વારા એચ1બી વિઝા ફીમાં કરાયેલા વધારાને કારણે ભારતને ડોલરના સ્વરૂપમાં આવતી રેમિટેન્સમાં ઘટાડો થવાની શક્યતા છે, જે રૂપિયાના મૂલ્ય પર દબાણ લાવી શકે છે. અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે આ પગલું માત્ર સેવા ક્ષેત્રને જ નહીં, પરંતુ વિદેશથી આવતી નાણાકીય હવાલાઓને પણ અસર કરશે. અમેરિકામાં હાલના એચ1બી વિઝાધારકોમાં લગભગ ૭૦% ભારતીય છે, જેમાંથી મોટાભાગના આઈટી સેવાઓ સાથે જોડાયેલા છે. ભારતના ઈનવર્ડ રેમિટેન્સમાં ૨૮% ફલો અમેરિકા તરફથી આવે છે, જે અંદાજે ૩૫ અબજ ડોલર જેટલો છે.
ઊંચી વિઝા ફીના કારણે ભવિષ્યમાં અમેરિકા જતા ભારતીય સ્કિલ્ડ વર્કરોની સંખ્યામાં ઘટાડો થઈ શકે છે, જેના કારણે રેમિટેન્સ ફલોમાં પણ ઘટાડો જોવા મળશે. એક અંદાજ મુજબ, ખરાબથી ખરાબ પરિસ્થિતિમાં વાર્ષિક રેમિટેન્સમાં ૪૦ કરોડ ડોલરનો ફટકો પડી શકે છે. રેમિટેન્સ ઘટવાથી ડોલરના પ્રવાહમાં ઘટાડો થશે, જેના કારણે ભારતીય રૂપિયામાં નબળાઈ વધશે. હાલમાં રૂપિયો પ્રતિ ડોલર ૮૮.૩૧ના સ્તરે છે, જે એશિયાના અન્ય ચલણોની સરખામણીએ નબળું છે. આ ઉપરાંત, ૨૮૦ અબજ ડોલરની ભારતીય આઈટી સેવા કંપનીઓ પર સીધી અસર થશે, કારણ કે તેઓ પોતાના કર્મચારીઓને અમેરિકામાં વિઝા પર મોકલીને વિદેશી ક્લાયન્ટસને સેવા પૂરી પાડે છે.
આઈટી ક્ષેત્રનો ભારતના જીડીપીમાં ૭% હિસ્સો છે અને વિશ્વભરમાં લગભગ ૬૦ લાખ લોકોને રોજગાર આપે છે. વિઝા ફી વધારવાનો અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો નિર્ણય અમેરિકન નાગરિકોને રોજગાર ઉપલબ્ધ કરાવવાનો છે, પરંતુ તેના કારણે અમેરિકાની કંપનીઓના ખર્ચમાં વધારો થશે. પરિણામે, તેઓ ભારત જેવા દેશોમાં પોતાના ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સનું વિસ્તરણ કરવા પ્રેરાય તેવી શક્યતા છે. માઈક્રોસોફ્ટ, મોર્ગન સ્ટેન્લી અને ગુગલ જેવી કંપનીઓ પહેલેથી જ ભારતમાં મોટા સેન્ટર્સ ચલાવી રહી છે.