હોમ લોન સેગમેન્ટ, જે પહેલાં સૌથી સુરક્ષિત ધિરાણ કેટેગરી માનવામાં આવતું હતું, હવે તણાવ હેઠળ આવી રહ્યું છે. ખાસ કરીને એફોર્ડેબલ હાઉસિંગ લોનમાં વધતા ડિફોલ્ટને કારણે નાણાકીય સંસ્થાઓ પોતાના આ લોનને એસેટ્સ રીકન્સ્ટ્રક્શન કંપનીઓ (ARCs)ને વેચી રહી છે. જૂન 2025માં પૂરાં થયેલા ક્વાર્ટર દરમિયાન ARCs દ્વારા રિટેલ સ્ટ્રેસ્ડ એસેટ્સ ખરીદવા માટે ₹1,713 કરોડની સિક્યોરિટી રસીદો (SRs) જારી થઈ હતી.
આ આંકડો એક વર્ષ પહેલા કરતા 245% વધારે છે. રિટેલ લોનમાં ખાસ કરીને નાના કદની હોમ લોનનો મોટો હિસ્સો છે. એક રિપોર્ટ મુજબ, જાહેર ક્ષેત્રની બેંકોમાં હોમ લોન ડિફોલ્ટમાં વધારો જોવા મળ્યો છે. 31થી 90 દિવસ સુધી બાકી રહેલા પેમેન્ટમાં 2.85% રકમ ચુકવાઈ નથી. આ તણાવ મુખ્યત્વે ₹35 લાખથી ઓછી હોમ લોનમાં જોવા મળી રહ્યો છે.છેલ્લા એક-દોઢ વર્ષમાં હોમ લોનની માંગ વધી છે, જેમાં મોટાભાગની લોન NBFCs અને ખાનગી બેંકોમાંથી મળી રહી છે.
જોકે, જાહેર ક્ષેત્રની બેંકો નવા હોમ લોન આપવાના મામલે પાછળ પડી રહી છે, જેના કારણે તેમના બેલેન્સ શીટ પર ભારણ વધી રહ્યું છે. હોમ લોન વૃદ્ધિ પણ ધીમું પડી છે. છેલ્લા બે વર્ષમાં બેંકો માટે હોમ લોન ગ્રોથ 10% સુધી સીમિત રહી છે, જ્યારે 2022-23માં તે 13-17% હતી. ખાનગી બેંકો છેલ્લા કેટલાક વર્ષોમાં બજારહિસ્સો ગુમાવ્યા બાદ હવે ફરી એકવાર સક્રિય બનીને પોતાની પોઝિશન મજબૂત કરવા પ્રયાસ કરી રહી છે.