પ્રારંભિક જાહેર ઓફર (IPO)માં ઓફર્સ ફોર સેલ (OFS) મારફતે ઉઠાવાયેલી રકમ ૨૦૨૫માં લગભગ રૂ. ૯૬,૦૦૦ કરોડ સુધી પહોંચી છે, જે ગયા વર્ષના રૂ. ૯૫,૨૮૫ કરોડના રેકોર્ડને પાર કરી ચૂકી છે. આ વર્ષની અંદર આઈપીઓ દ્વારા કુલ રૂ. ૧.૫૩ લાખ કરોડ ભંડોળ એકત્રિત થયું છે. આ વર્ષે નવા શેર ઇશ્યુ દ્વારા મળેલી તાજી મૂડી રૂ. ૫૬,૭૯૬ કરોડ રહી છે, જેને નિષ્ણાતો સ્વતંત્ર ધોરણે પણ મજબૂત આંકડો માને છે. વર્ષના અંત સુધીના બાકી રહેલા છ અઠવાડિયામાં, આઈપીઓની કુલ સંખ્યા પણ ગયા વર્ષની સરખામણીમાં નવો રેકોર્ડ બનાવવાની નજીક છે.
ખાસ કરીને, OFS દ્વારા એકત્ર થતી રકમ પહેલીવાર રૂ. ૧ લાખ કરોડનો આંકડો વટાવવાની દિશામાં છે. પ્રાઇમ ડેટાબેઝના આંકડા મુજબ, ૨૦૧૫ પછીથી IPO દ્વારા એકત્ર કરવામાં આવેલી કુલ રકમમાંથી લગભગ ત્રણ-ચોથી ભાગ, એટલે કે ૪.૭૩ લાખ કરોડ, OFS દ્વારા આવ્યો છે; જ્યારે માત્ર ૨.૪૪ લાખ કરોડ જ નવા શેર ઇશ્યૂમાંથી મળ્યા છે. સામાન્ય રીતે IPOથી મેળવાતી તાજી મૂડી કંપનીના મૂડી ખર્ચ અને વૃદ્ધિ તરફ વપરાય છે, જે અર્થતંત્ર માટે સકારાત્મક સંકેત હોય છે.
બીજી તરફ, OFS માલિકીના હસ્તાંતરણને દર્શાવે છે, જ્યાં પ્રમોટર્સ અથવા PE રોકાણકારો પોતાના હિસ્સા વેચે છે. છતાં આ રકમ સીધા કંપનીના વિસ્તરણ માટે વપરાતી નથી, તેમ છતાં તે ઉપયોગી રીતે ચેનલાઇઝ થઈ શકે છે, જેમ કે PE ફંડ્સ નવી કંપનીઓમાં રોકાણ કરી શકે છે અને પ્રમોટર્સ નવા પ્રોજેક્ટ્સ શરૂ કરી શકે છે. આ વર્ષે ખાસ કરીને નવી પેઢીની કંપનીઓના IPOમાં, OFSનો હિસ્સો નવા શેરના ઇશ્યૂ કરતા વધારે રહ્યો છે.
અનેક શરૂઆતના રોકાણકારોને સારો નફો પણ મળ્યો છે, જેના કારણે PE ફંડ્સ રિટેલ રોકાણકારો સમક્ષ પોતાના હિસ્સા વેચીને બહાર નીકળી રહ્યા છે એવી ચિંતા વધી છે. જોકે બજાર વિશ્લેષકો આ દાવાને નકારી કાઢે છે. કુલ મળીને, IPOની તુલનામાં OFSનું વધતું પ્રમાણ બજાર માટે સકારાત્મક માનવામાં આવે છે. નિષ્ણાતોના મતે, રોકાણકારોએ કંપનીઓ દ્વારા ભંડોળ ક્યાં વપરાય છે તેના પર ઓછું ધ્યાન આપીને, તેમના બિઝનેસના મૂળભૂત મજબૂત પરિબળો અને દીર્ઘકાલીન ક્ષમતાને વધુ મહત્વ આપવું જોઈએ.

