જીએસટીમાં ૬%નો ઘટાડો પ્રીમિયમ કાર સેગમેન્ટ માટે મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો છે. નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં નકારાત્મક વૃદ્ધિ દર્શાવનાર પ્રીમિયમ કાર માર્કેટ, તાજેતરના જીએસટી રાહત પછી ફરી સ્થિરતા તરફ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને ડિઝલ કાર પર મળેલી રાહતે તેની માંગમાં નોંધપાત્ર વધારો લાવ્યો છે, જેના કારણે માર્કેટ શેર ૨૯% થી વધી ૪૦% થયો છે અને તેમાં ગુજરાત સૌથી આગળ છે, એમ મર્સિડીઝ-બેન્ઝ ભારતના એમડી અને સીઇઓ સંતોષ અય્યરે જણાવ્યું હતું.
કંપનીએ ચાકણ પ્લાન્ટમાં લગભગ રૂ.૩૦૦૦ કરોડનું રોકાણ કર્યું છે, જ્યાં વર્ષે ૨૦,૦૦૦ લક્ઝરી કાર બનાવવાની ક્ષમતા છે. ભારતમાં દર વર્ષે આશરે ૫૦,૦૦૦ લક્ઝરી કારનું વેચાણ થાય છે, જ્યારે પેસેન્જર કાર સેગમેન્ટની વૃદ્ધિ ૬-૮% રહી છે. ઓક્ટોબર બાદ લક્ઝરી કાર માર્કેટમાં સુધારો જોવા મળ્યો હોવા છતાં પડકારજનક પરિસ્થિતિઓ વચ્ચે મર્સિડીઝ ૪૫% માર્કેટ શેર સાથે ટોચ પર છે.
આ વર્ષે કંપનીએ ૮ નવા મોડલ રજૂ કર્યા છે, જેમાં બે ઇલેક્ટ્રિક વાહનોનો સમાવેશ થાય છે, અને હવે તેની પોર્ટફોલિયો ૧૧ મોડલ સુધી વિસ્તર્યો છે. આવતા થોડા મહિનામાં કંપની નવું CLA મોડલ લોન્ચ કરશે, જેની કિંમત રૂ ૫૫-૬૦ લાખ વચ્ચે રહેવાની શક્યતા છે. કંપનીનું ઉત્પાદન મુખ્યત્વે CKD કિટ્સ પર આધારિત છે અને CBUનો હિસ્સો માત્ર ૫-૧૦% છે, એટલે લોકેલાઈઝેશન તરફ વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
ભારતમાં લક્ઝરી ઇવી સેગમેન્ટનો અપનાવ દર ૨.૯% રહે છે, જ્યારે મર્સિડીઝમાં આ આંકડી ૧૦-૧૧% સુધી પહોંચી છે. ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્ર ઇવી અપનાવામાં આગળ છે. ઉપરાંત, કંપનીના ફાઇનાન્સિંગ પોર્ટફોલિયોનું મૂલ્ય રૂ.૧૦,૦૦૦ કરોડથી વધુ છે અને દેશમાં વેચાતી દરેક બે મર્સિડીઝ કારમાંથી એક ફાઇનાન્સિંગ દ્વારા વેચાઈ રહી છે.

