ટેરિફ સહિતના બાહ્ય પડકારો વચ્ચે પણ ભારત મજબૂત આર્થિક ગતિ જાળવી રાખશે, એમ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ)એ જણાવ્યું છે. સંસ્થાએ ઓક્ટોબરમાં આપેલો ૬.૬% જીડીપી ગ્રોથનો અંદાજ યથાવત્ રાખ્યો છે, જ્યારે આવતા વર્ષ માટેનો અંદાજ ૬.૪%થી ઘટાડીને ૬.૨% કર્યો છે. આઈએમએફના મુજબ રિટેલ ફુગાવો નીચો છે અને આવનારા મહિનાઓમાં સ્થિર રહેશે, જેના કારણે ભાવ નિયંત્રણ અને નીતિગત નિર્ણયો લેવા માટે આરબીઆઈને સગવડ રહેવાની શક્યતા છે. આથી, આગામી મોનીટરી પોલિસી મીટિંગમાં વ્યાજદર ઘટાડાની સંભાવના પણ વધી છે.
આઈએમએફે જણાવ્યું કે બાહ્ય અનિશ્ચિતતા છતાં ભારતનું અર્થતંત્ર મજબૂત મોમેન્ટમ સાથે આગળ વધી રહ્યું છે. તેણે જૂન ક્વાર્ટરની સમીક્ષા કરતા જણાવ્યું કે ગત વર્ષના ૬.૪% મજબૂત ગ્રોથ બાદ પણ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં ભારતે ૭.૮% ગ્રોથ હાસલ કર્યો હતો, જે મજબૂત આંતરિક માંગ અને નીતિગત સપોર્ટનું પરિણામ છે. ઘરેલું અર્થવ્યવસ્થામાં સુધારા અને મજબૂત વપરાશ પ્રવૃત્તિઓ આગામી માસોમાં પણ ગ્રોથને ટેકો આપશે. તાજેતરમાં અનેક વૈશ્વિક અને સ્થાનિક એજન્સીઓએ ભારતના ગ્રોથ આઉટલૂકમાં વધારો કર્યો છે અથવા અંદાજ યથાવત રાખ્યો છે.
સરકારે જીએસટીમાં ઘટાડો કર્યા બાદ તહેવારો દરમિયાન વપરાશમાં ઉછાળો જોવા મળ્યો, જેને કારણે અનેક સંસ્થાઓએ પોતાની આગાહી સુધારી છે. નવેમ્બરમાં મૂડી’ઝે ભારતનો જીડીપી ગ્રોથ ચાલુ વર્ષે ૬.૪% અને આવતા વર્ષે ૬.૫% રહેશે એવો અંદાજ આપ્યો છે. તેનું કહેવું છે કે ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટા પાયે રોકાણ, વધતું કન્ઝ્યુમર સ્પેન્ડિંગ અને નિકાસમાં વૈવિધ્ય ભારતની ગ્રોથને મજબૂત બનાવશે.
એસ એન્ડ પી ગ્લોબલ રેટિંગ્સે ૨૦૨૫-૨૬ માટે ૬.૫% ગ્રોથનો અંદાજ યથાવત્ રાખ્યો છે અને આગામી વર્ષ માટે ૬.૭% ગ્રોથની આગાહી કરી છે. ટેક્સમાં ઘટાડો અને હળવી મોનિટરી પોલિસી થકી કન્ઝમ્પ્શન ડ્રિવન ગ્રોથ વધશે એવી તેની અપેક્ષા છે. તે જ રીતે ઈન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચે પણ પોતાનો અંદાજ સુધારી ચાલુ વર્ષ માટે ભારતનો ગ્રોથ ૭% કર્યો છે – જે અગાઉ આપેલા ૬.૩%ની સરખામણીએ નોંધપાત્ર વધારો છે. આરબીઆઈએ હાલ 6.8% ગ્રોથનો અંદાજ જાહેર કર્યો છે.

