જુલાઈ થી સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન એફએમસીજી સેક્ટરે પોતાની ગતિ ગુમાવી છે. ડેટા એનાલિટિક્સ ફર્મ નીલ્સન IQના રિપોર્ટ મુજબ આ ત્રિમાસિકમાં સેક્ટરના વોલ્યૂમ ગ્રોથમાં ઘટાડો થઈને તે ૫.૪% પર આવી ગયો છે. જીએસટી દરોમાં થયેલા ફેરફારોને કારણે બજારમાં બનેલી અવ્યવસ્થાએ વેચાણની ગતિને અસર કરી છે. જોકે, ભાવવધારા વચ્ચે મૂલ્યની દૃષ્ટિએ સેક્ટરે મજબૂત ૧૨.૯નો ગ્રોથ નોંધાવ્યો છે. ગ્રામીણ વિસ્તારોમાં પણ વૃદ્ધિ ધીમી રહી છે. અહીં વોલ્યૂમ ગ્રોથ ૮.૪% નોંધાયો, જે ગત વર્ષની સરખામણીમાં થોડો ઓછો છે. તેમ છતાં, સતત સાતમા ક્વાર્ટરમાં ગ્રામીણ માંગ શહેરી વિસ્તારો કરતાં વધારે જ રહી છે.
નાના પેકેજની માંગ વધતા યુનિટ ગ્રોથ કુલ વોલ્યૂમ ગ્રોથ કરતાં ઊંચો રહ્યો, જે દર્શાવે છે કે ગ્રાહકો ઓછા ભાવવાળા પેક તરફ વધુ વળી રહ્યા છે. સરેરાશ ભાવોમાં ૭.૧%નો વધારો નોંધાયો હતો. શહેરી બજારોમાં ધીમે ધીમે રિકવરી જોવા મળી રહી છે, ખાસ કરીને નાના અને ટિયર-૨ શહેરોમાં માંગમાં તેજી આવી છે. Q1ની સરખામણીમાં માંગ થોડી નરમ રહી હોવા છતાં શહેરી ક્ષેત્રોમાં ક્વાર્ટર-ઓન-ક્વાર્ટર સુધારો જોવા મળ્યો છે. એફએમસીજી સેક્ટરની કુલ માંગમાં ગ્રામીણ વિસ્તારોનો હિસ્સો ૩૮% રહ્યો હતો, જેમાં નાના પેકેજોની ખરીદી સૌથી વધુ જોવા મળી.
શહેરી વિસ્તારોમાં વોલ્યૂમ ગ્રોથ ૩.૭% રહ્યો જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં તે ૭.૭% રહ્યો. જોકે આ અંતર હવે ધીમે ધીમે ઓછું થઈ રહ્યું છે. મેટ્રોપોલિટન શહેરોમાં ઓફલાઈન વેચાણમાં ઘટાડો ચાલુ રહ્યો છે, જે સૂચવે છે કે મોટા શહેરોના ગ્રાહકો ધીમે ધીમે ઈ-કોમર્સ તરફ વળે છે. મોર્ડન ટ્રેડ ચેનલમાં સુધારાના સંકેત દેખાઈ રહ્યાં છે. ઈ-કોમર્સનો એફએમસીજી સેલ્સમાં હિસ્સો ૧% જેટલો વધ્યો છે અને આ વૃદ્ધિ તમામ આઠ મેટ્રો શહેરોમાં જોવા મળી છે. જોકે, સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન ઈ-કોમર્સ વોલ્યૂમ ગ્રોથ થોડો ધીમો પડ્યો છે.

