ભારતમાં ખાનગી ક્ષેત્રની બેંકોનો બજારહિસ્સો નાણાકીય વર્ષ ૨૦૨૬માં પણ ઘટવાની ધારણા છે, જે સતત બીજો વર્ષ હશે જ્યારે તેમની લોન વૃદ્ધિ ઉદ્યોગની એકંદર વૃદ્ધિ કરતાં નીચી રહેશે. આ પ્રવૃત્તિ ૧૫ વર્ષથી વધુ દરમિયાન પહેલી વાર જોવા મળી રહી છે. એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક અને એક્સિસ બેંક સહિત લિસ્ટેડ ખાનગી બેંકોની કુલ લોન બુક નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન ૮.૯% અને નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના પ્રથમ અર્ધ વર્ષમાં ૯.૯% વધી હતી, જ્યારે સમાન સમયગાળામાં લિસ્ટેડ તમામ બેંકોની લોન બુકમાં ૧૧.૪% અને ૧૧.૭%નો વધારો નોંધાયો હતો. જે ખાનગી બેંકો માટે ધીમી ગતિ દર્શાવે છે.
સપ્ટેમ્બર ૨૦૨૫સુધી ખાનગી બેંકોની કુલ લોન બુક રૂ.૭૭.૧૪ લાખ કરોડ થઈ, જ્યારે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ અંતે તે રૂ.૭૩.૬૫ લાખ કરોડ અને નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ અંતે રૂ.૬૭.૫૩ લાખ કરોડ હતી. બીજી તરફ, તમામ લિસ્ટેડ બેંકોની કુલ લોન બુક આ નાણાકીય વર્ષના સપ્ટેમ્બરમાં રૂ.૧૯૩.૬ લાખ કરોડ સુધી પહોંચી ગઈ. આ વિશ્લેષણ ૪૨ લિસ્ટેડ બેંકોના વાર્ષિક અને અર્ધ-વર્ષિક અહેવાલોને આધારે તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં જાહેર ક્ષેત્રની બેંકો, ખાનગી બેંકો અને નાના નાણાકીય બેંકોનો સમાવેશ થાય છે. લોન વૃદ્ધિમાં ધીમા પડાવને કારણે ખાનગી બેંકોનો કુલ બેંકિંગ માર્કેટમાં હિસ્સો પણ ઘટ્યો છે.
નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ના માર્ચમાં ૪૦.૮% રહેલો માર્કેટ શેર ઘટીને સપ્ટેમ્બર ૨૦૨૫માં ૩૯.૮% થયો. નોંધનીય છે કે ખાનગી ક્ષેત્રની બેંકોનો માર્કેટ શેર ૨૦૧૪ના ૨૩.૫%માંથી ૨૦૨૦માં ૩૮.૧% સુધી પહોંચ્યો હતો, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં તેમની વૃદ્ધિ મર્યાદિત રહી છે. નાણાકીય વર્ષ ૨૦૨૦ થી ૨૦૨૫ દરમિયાન ખાનગી બેંકોની લોન બુક ૧૫.૮% CAGRથી વધી, જે નાણાકીય વર્ષ ૨૦૧૫ થી ૨૦૨૦ દરમિયાનના ૧૬% કરતાં ઓછું છે, જ્યારે સમાન સમયગાળામાં સમગ્ર બેંકિંગ ક્ષેત્ર ખાસ કરીને જાહેર ક્ષેત્રની બેંકોના નેતૃત્વ હેઠળ લોન વૃદ્ધિ ૧૩.૯% CAGR નોંધાઈ, જે નાણાકીય વર્ષ ૨૦૧૫ થી ૨૦૨૦ દરમિયાન માત્ર ૨% હતી. આ ધીમું પડાવ તેમની આવક અને નફામાં પણ દેખાઈ રહ્યું છે.
નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના પ્રથમ છ મહિનામાં બેંકોની કુલ વ્યાજ આવકમાંથી ખાનગી બેંકોનો હિસ્સો ૪૧.૫% રહ્યો, જે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ૪૧.૮% અને નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ માં ૪૨.૪% રહ્યો હતો. નફામાં તેમનો હિસ્સો વધારે ઘટી ગયો છે. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના પ્રથમ છ મહિનામાં ૫તે ૪૯.૮% રહ્યો, જ્યારે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ૫૦.૪% અને નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં ૮૦.૨% હતો. જાહેર ક્ષેત્રની બેંકોનો નફામાં હિસ્સો નોંધપાત્ર રીતે વધી નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના પ્રથમ છ મહિનામાં ૪૯.૯% થયો, જ્યારે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં તે ૪૬.૮% અને નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં માત્ર ૨૮% હતો.

