નિકાસ ક્ષેત્રે ઊભા થયેલા પડકારોના માહોલ વચ્ચે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) હાલ ડોલર સામે રૂપિયાની નબળાઈને સહન કરવાની વ્યૂહરચના અપનાવી રહી છે. વેપાર ખાધમાં વધારો અને ડોલર ઈન્ફ્લો ઘટતા ભારત પર બાહ્ય દબાણ વધી રહ્યું છે. વર્તમાન વર્ષમાં રૂપિયો ઝડપથી નબળો ન પડે તે માટે RBIએ અનેક વખત દરમિયાનગીરી કરી અને ખુલ્લા બજારમાં નોંધપાત્ર ડોલર વેચ્યા હતા. તેમ છતાં, છેલ્લા આઠ ટ્રેડિંગ સેશનમાં રૂપિયામાં 1.40 ટકા કરતાં વધુ ઘટાડો નોંધાયો છે.
ફોરેક્સ માર્કેટનાં વિશ્લેષકો કહે છે કે RBI હવે માત્ર અતિશય વોલેટિલિટી અથવા સટ્ટાબાજી જોવા મળે તેવી સ્થિતિમાં જ બજારમાં દખલ કરશે. કોઈ ચોક્કસ સ્તરે રૂપિયા સ્થિર રાખવા RBI અગ્રેસર નહીં બને તેમ સંકેતો મળી રહ્યા છે. અમેરિકાના વેપાર સંરક્ષણવાદી વલણને પગલે પણ રૂપિયા પર વધી રહેલું દબાણ સ્પષ્ટ જોવા મળે છે.
વર્ષના પ્રથમ નવ મહિનામાં RBIએ લગભગ 38 અબજ ડોલર વેચ્યા છે. ઓક્ટોબર 2024 થી રૂપિયા સતત નબળાઈ તરફ આગળ વધી રહ્યો છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં ડોલરનો ભાવ 84 રૂપિયા જેટલો હતો, જે હાલ 90 રૂપિયાની સપાટીને પાર કરી ગયો છે. સ્થિતિ એવી છે કે મૂળભૂત આર્થિક પરિબળો (ફન્ડામેન્ટલ્સ) રૂપિયાના વિરોધમાં હોય ત્યારે ફોરેક્સ રિઝર્વમાંથી મોટી માત્રામાં ડોલર વેચવાનો વિશેષ અર્થ રહેતો નથી, એવો મત કેટલીક બેન્કોએ વ્યક્ત કર્યો છે.
ડોલર મજબૂત બનવાથી સામાન્ય રીતે નિકાસકારોને લાભ મળે છે, જ્યારે આયાતકારો માટે ખર્ચ વધે છે. પરંતુ હાલમાં અમેરિકાએ ભારતના કેટલાક ઉત્પાદનો પર 50 ટકા સુધીના ટેરિફ લાગુ કર્યા છે, જેના કારણે અમેરિકામાં ભારતની નિકાસ ધીમે ધીમે ઘટી રહી છે. સાથે જ અન્ય વૈશ્વિક બજારોમાં પણ ભારતને ભારે સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે.
રૂપિયાની નબળાઈનો બીજો પડકાર વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPI) માટે ઉભો થયો છે. ડોલર સામે રૂપિયામાં ઝડપી ઘટાડો FPI રોકાણ પર દબાણ વધારી શકે છે. વિશ્લેષકો જણાવે છે કે નિકાસમાં ઘટાડો, યુએસના ઊંચા ટેરિફ અને સતત FPI વેચવાલી મળીને રૂપિયાને નબળું કરી રહ્યા છે. નજીકના ગાળામાં આ પરિસ્થિતિ વિદેશી રોકાણ માટે પડકારરૂપ બની શકે છે.
જો કે નિષ્ણાતો માને છે કે ભારતનું મજબૂત અર્થતંત્ર આ આંચકાનું મોટાપાયે શોષણ કરી શકે છે. રૂપિયાની નબળાઈ હોવા છતાં કોર્પોરેટ કમાણી વૃદ્ધિના અંદાજમાં કોઈ નકારાત્મક ફેરફાર દેખાતો નથી. યુએસ સાથે વેપાર સોદા પર પ્રગતિ અને સ્થાનિક કમાણીમાં સુધારો જોવા મળે તો FPI આઉટફ્લો ફરીથી ઊંધી પણ થઈ શકે છે.

