દેશની બેંકો માટે ફી આધારિત આવક હવે નફાકારકતાનો મહત્વનો સ્ત્રોત બની રહી છે. વ્યાજ માર્જિન (NIM) અને ટ્રેઝરી આવક પર વધતા દબાણ વચ્ચે, ફી આવકમાં થઈ રહેલી વૃદ્ધિ બેંકોના કુલ નફામાં સહાયક સાબિત થઈ રહી છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને એચડીએફસી બેંકે છેલ્લા ત્રિમાસિકમાં ફી આવકમાં ૨૫ ટકાથી વધુનો ઉછાળો નોંધાવ્યો છે. ટોચની જાહેર ક્ષેત્રની અને ખાનગી બેંકોએ ૩૧ ડિસેમ્બરે પૂર્ણ થયેલા ત્રિમાસિકમાં અનુક્રમે ૧૬ ટકા અને ૧૯ ટકાનો વધારો નોંધાવ્યો હતો.
આ સમયગાળો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા વ્યાજદર ઘટાડા શરૂ કરવાના પહેલાનો છેલ્લો ત્રિમાસિક હતો. વિશ્લેષકોના જણાવ્યા અનુસાર, જેમ જેમ બેંકોની લોન અને બેલેન્સશીટનું કદ વધી રહ્યું છે, તેમ તેમ ફી આવક પર તેમનું ધ્યાન પણ વધતું જાય છે. લોન પ્રોડક્ટ્સ અને ક્રેડિટ કાર્ડ્સ ફી આવકના મુખ્ય સ્ત્રોત છે, કારણ કે બેંકો પ્રોસેસિંગ ફી, ડોક્યુમેન્ટેશન ચાર્જ, પ્રીપેમેન્ટ ફી અને ફોરક્લોઝર ચાર્જ જેવી વસૂલાત કરે છે. આ વર્ષે આરબીઆઈ દ્વારા વ્યાજદર ઘટાડીને ૫.૫૦ ટકા કર્યા બાદ એનઆઈએમ પર દબાણ વધ્યું છે, જ્યારે ટ્રેઝરી આવકમાં પણ ઘટાડો નોંધાયો છે. આવા સમયમાં ફી આધારિત આવક બેંકો માટે સ્થિર આવકનો વિકલ્પ બની રહી છે.
બેંકો હવે તેમના વ્યવસાય મોડેલમાં ક્રોસ-સેલિંગ પર વધુ ભાર મૂકી રહી છે જેથી નોન-ફંડ આધારિત આવક વધારી શકાય. જે બેંકોની ડિપોઝિટ કૉસ્ટ વધારે છે, તે ફોરેક્સ ટ્રાન્ઝેક્શન અને ફી આધારિત આવક પર વધારે ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. કુલ મળીને, ફી આવકમાં વધારો હવે મોટાભાગની બેંકો માટે નફા વધારવાના વ્યૂહાત્મક પ્રયાસોનો મુખ્ય હિસ્સો બની ગયો છે.

