રોકાણની ગતિ ધીમી પડી હોવા છતાં, મ્યુચ્યુઅલ ફંડ હાઉસિસ નવા શેરોના ઉમેરામાં તેજી જાળવી રહી છે. ગયા વર્ષ દરમિયાન મ્યુચ્યુઅલ ફંડ મેનેજરોએ તેમના પોર્ટફોલિયોમાં કુલ ૧૬૪ નવા શેર ઉમેર્યા છે, જે વાર્ષિક ધોરણે ૧૫.૨% નો વધારો દર્શાવે છે, અને આ વૃદ્ધિ દર જુલાઈ ૨૦૨૪ પછીનો સૌથી ઝડપી છે. કુલ મળીને, મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ હવે ૧૨૪૪ શેરોમાં રોકાણ ધરાવે છે, જે સતત પાંચમા મહિને નવો રેકોર્ડ બનાવી રહ્યું છે. જો જૂન ૨૦૧૭ની સરખામણી કરીએ, તે સમયે ફંડ્સ માત્ર ૭૪૬ શેરોમાં રોકાણ ધરાવતા, એટલે કે છેલ્લા કેટલાક વર્ષોમાં રોકાણનો વ્યાપ લગભગ દોગણથી વધુ થયો છે.
આ વિકાસ એવા સમયે જોવા મળ્યો છે જ્યારે ઓક્ટોબર મહિનામાં ઇક્વિટી સ્કીમ્સમાં ઇન્ફ્લો ઘટીને રૂ.૨૪૬૯૦ કરોડ રહ્યો હતો. જુલાઈ ૨૦૨૫માં નોંધાયેલા રૂ.૪૨૭૦૨ કરોડના ઊંચા પ્રવાહની સરખામણીમાં ઘણો ઓછો છે. તે જ સમયે વર્ષ ૨૦૨૫દરમિયાન આપીઓ બજારમાં ૧.૩ લાખ કરોડ રૂપિયા ઉઠાવવામાં આવ્યા, જેમાંથી રૂ.૮૨૯૭૫ કરોડ ઓફર ફોર સેલ (OFS) મારફતે ઉઠાવાયા હતા. એટલે મોટાભાગનું ભંડોળ કંપનીઓમાં જવા બદલે બહાર નીકળતા શેરહોલ્ડર્સને મળ્યું.
એનએસઈના ડેટા પ્રમાણે, મ્યુચ્યુઅલ ફંડ્સના પોર્ટફોલિયોનું એકાગ્રતા દર ૨૦૨૦ પછી સતત ઘટ્યું છે, અને તે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) કરતા ઓછું છે. ફંડ્સ મોટી સંખ્યામાં શેરોમાં રોકાણ કરે છે તેનો અર્થ એ છે કે છેલ્લા વર્ષોમાં અનેક કંપનીઓના બજાર મૂડીકરણમાં જોરદાર વધારો થયો છે, જેના કારણે વધુ કંપનીઓ “રોકાણ માટે યોગ્ય” શ્રેણીમાં આવી ગઈ છે. જોખમને ધ્યાનમાં રાખીને, સ્મોલ-કેપ ફંડ્સ પણ લાર્જ-કેપ કંપનીઓમાં રોકાણ કરી રહ્યા છે, જેથી અસ્થિર બજારમાં પોર્ટફોલિયોને વધુ પ્રવાહિતા અને સ્થિરતા મળી શકે છે.

