ભારતના ગોલ્ડ રિઝર્વના સંચાલનમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા મહત્વપૂર્ણ ફેરફાર નોંધાયો છે. અગાઉ મોટી માત્રામાં સોનું વિદેશી બેન્કોમાં જમા રાખવામાં આવતું હતું, પરંતુ હવે રિઝર્વ બેન્ક પાસે રહેલા કુલ ૮૮૦ ટન ગોલ્ડ રિઝર્વમાંથી આશરે ૬૫% એટલે કે ૫૭૬ ટન સોનું ઘરઆંગણે સંઘરવામાં આવ્યું છે. ચાર વર્ષ અગાઉ આ પ્રમાણ માત્ર ૩૦થી ૩૨% જેટલું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ, વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં વિદેશમાં પડેલા સોનામાંથી ૬૪ ટન સોનું સ્વદેશ પરત લાવવામાં આવ્યું છે.
હાલ દેશના ગોલ્ડ રિઝર્વનું કુલ મૂલ્ય આશરે ૧૦૮ અબજ ડોલર જેટલું છે. રિઝર્વ બેન્ક પોતાના ગોલ્ડ રિઝર્વનો કેટલોક હિસ્સો બેન્ક ઓફ ઈંગલેન્ડ તથા બેન્ક ઓફ ઈન્ટરનેશનલ સેટલમેન્ટ્સ (BIS) જેવી વિદેશી સંસ્થાઓ સાથે જમા રાખે છે. સપ્ટેમ્બર ૨૦૨૫ના અંતે ઘરઆંગણે સંઘરાયેલ ૫૭૬ ટન સોનુ અત્યાર સુધીનું સૌથી ઊંચું સ્તર ગણાય છે. ૨૦૨૨ના સપ્ટેમ્બર સુધીમાં આ હિસ્સો માત્ર ૩૮ ટકા હતો.
વિદેશમાંથી વધુ સોનું પરત લાવવાનું કારણ રિઝર્વ બેન્કે સત્તાવાર રીતે જાહેર કર્યું નથી, પરંતુ પશ્ચિમી દેશોએ યુક્રેન પર આક્રમણ બાદ રશિયાના ફોરેન રિઝર્વ જપ્ત કર્યા બાદ અનેક દેશોએ પોતાની સંપત્તિ સ્વદેશમાં રાખવાની નીતિ અપનાવી છે. આ સંદર્ભમાં ભારત પણ વધુ સાવચેતીપૂર્વક પગલાં લઈ રહ્યું છે એવી ધારણા છે. ગત વર્ષે જેમ અન્ય કેન્દ્રીય બેન્કોએ પણ પોતાના ગોલ્ડ રિઝર્વમાં વધારો કર્યો હતો, તેમ RBIએ પણ વૈશ્વિક આર્થિક અસ્થિરતા અને ડોલર પરની નિર્ભરતા ઘટાડવા હેતુસર સોનાની ખરીદીમાં વધારો કર્યો છે.




