અકલ્પનીય તેજી વચ્ચે ભારત સહિત વિશ્વભરમાં સોનાની માંગે નવો રેકોર્ડ બનાવ્યો છે. જુલાઈથી સપ્ટેમ્બર ૨૦૨૫ દરમ્યાન, સોનાના ઊંચા ભાવ હોવા છતાં ભારતીય ગ્રાહકો અને રોકાણકારોએ સોનામાં ભારે ખરીદી ચાલુ રાખી છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ‘ગોલ્ડ ડિમાન્ડ ટ્રેન્ડ્સ રિપોર્ટ’ અનુસાર, આ ત્રિમાસિક ગાળામાં દેશમાં સોનાની કુલ માંગ રૂ. ૨,૦૩,૨૪૦ કરોડ સુધી પહોંચી છે, જે ગત વર્ષની તુલનામાં ૨૩% વધારે છે. જો કે વોલ્યુમના દ્રષ્ટિકોણે માંગમાં ૧૬%નો ઘટાડો નોંધાયો છે. વૈશ્વિક સ્તરે સોનાની કુલ માંગ ૧૩૧૩ ટન સુધી વધી છે, જે વાર્ષિક ધોરણે ૩%નો ઉછાળો દર્શાવે છે. મૂલ્યના દ્રષ્ટિકોણે માંગ ૪૪% વધીને ૧૪૬ અબજ ડોલર થઈ છે. રોકાણકારોની મજબૂત ખરીદીને કારણે સોનાના ભાવોએ આ ક્વાર્ટર દરમિયાન ૧૩ વખત નવા સર્વોચ્ચ સ્તરો સર કર્યા, જ્યારે દાગીનાની ખરીદીમાં ઘટાડો નોંધાયો. રોકાણના ક્ષેત્રે સૌથી વધુ સક્રિયતા એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ETF)માં જોવા મળી – જેમાં ૨૨૨ ટન સોનાની ખરીદી થઈ, જે ૨૦૨૦ના રેકોર્ડની નજીક છે.
બાર અને કોઈનની માંગ સતત ચોથા ક્વાર્ટર માટે ૩૦૦ ટનથી ઉપર રહી છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના મુજબ, યુએસ વ્યાજદરમાં ઘટાડો અને ડોલરની નબળાઈએ રોકાણકારોમાં સોનાપ્રતિ વિશ્વાસ વધાર્યો છે. દાગીનાની માંગમાં નોંધપાત્ર ઘટાડો થયો. ૩૧%થી ઘટીને ૧૧૭.૭ ટન – છતાં મૂલ્ય રૂ. ૧,૧૪,૨૭૦ કરોડની આસપાસ સ્થિર રહ્યું છે. ભારત અને ચીન બંનેમાં રોકાણ રૂપે બાર અને કોઈનની ખરીદી અનુક્રમે ૨૦% અને ૧૯% વધી છે. ખાસ કરીને ભારતીય રોકાણકારોએ આ ત્રિમાસિક ગાળામાં ૧૦ અબજ ડોલરથી વધુનું રોકાણ કરીને અત્યાર સુધીનો સર્વોચ્ચ રેકોર્ડ બનાવ્યો છે. સોનાના દાગીનાની માંગ વૈશ્વિક સ્તરે પણ ઘટી – કુલ ૧૯%નો ઘટાડો, પરંતુ મૂલ્યમાં ૧૩%નો વધારો જોવા મળ્યો છે. ટેકનોલોજી ક્ષેત્રે એઆઈ સર્વર્સ અને ડેટા સેન્ટર્સની વધતી જરૂરિયાતે સોનાના વપરાશને ટેકો આપ્યો છે, જોકે કુલ ટેકનિકલ માંગ ૨% ઘટીને ૮૨ ટન થઈ છે.
કુલ સપ્લાય આ ક્વાર્ટરમાં અત્યાર સુધીના સર્વાધિક ૧૩૧૩ ટન સુધી પહોંચી ગયો છે. સેન્ટ્રલ બેંકોની ખરીદી પણ મજબૂત રહી છે – જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન ૨૨૦ ટન સોનાની ખરીદી થઈ, જે પાછલા ક્વાર્ટર કરતા ૨૮% વધારે છે. કઝાકિસ્તાન, બ્રાઝિલ, તુર્કી અને ગ્વાટેમાલાએ સૌથી વધુ સોનાનો ભંડાર ઉમેર્યો છે, જ્યારે પોલેન્ડે પોતાના રિઝર્વમાં ૩૦% સોનું રાખવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. ચીન, ઇરાક અને ફિલિપાઇન્સે પણ સોનાના ભંડાર વધાર્યા છે. રોકાણકારોએ આ વર્ષે સોનાને સુરક્ષિત રોકાણ વિકલ્પ (‘સેફ હેવન’) તરીકે વધુ પસંદગી આપી છે. ત્રીજા ક્વાર્ટરમાં કુલ રોકાણ માંગ ૫૩૭ ટન સુધી પહોંચી છે, જે ગત વર્ષની તુલનામાં ૪૭%નો ઉછાળો દર્શાવે છે. ફક્ત સપ્ટેમ્બર મહિનામાં જ ઈટીએફ ઈન્ફ્લોમાં ૨૬ અબજ ડોલરની નવી એન્ટ્રીઓ થઈ, જેના કારણે સોનાના ભાવમાં વધુ તેજી જોવા મળી છે.




