ભારતીય અર્થવ્યવસ્થા અને રોકાણ ચક્રમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. આજના ‘ન્યૂ યંગ ઈન્ડિયા’માં રોકાણકારો હવે પરંપરાગત બેંક ડિપોઝીટ અને ફિક્સ્ડ ડિપોઝીટ (એફડી)ને બદલે મ્યુચ્યુઅલ ફંડ, શેરબજાર અને અન્ય ઉચ્ચ-વળતર આપતા સાધનો તરફ વળી રહ્યા છે. રેટિંગ એજન્સી ક્રિસિલના તાજેતરના અહેવાલ અનુસાર, રોકાણકારોના આ પરિવર્તનશીલ વલણને કારણે બેંકિંગ સિસ્ટમના ડિપોઝીટ માળખામાં નોંધપાત્ર બદલાવ આવી રહ્યો છે. ક્રિસિલના આંકડા દર્શાવે છે કે ઘરેલુ ક્ષેત્રનો ડિપોઝીટ બેઝમાં હિસ્સો માર્ચ ૨૦૨૦ના ૬૪% પરથી ઘટીને માર્ચ ૨૦૨૫માં ૬૦% થયો છે.
આ ઘટાડો દર્શાવે છે કે લોકો હવે તેમની બચત બેંકમાં રાખવાને બદલે સીધા બજાર આધારિત ઈન્સ્ટ્રુમેન્ટમાં રોકી રહ્યા છે. એજન્સીના મતે, આ વલણ બેંકો માટે લાંબા ગાળે પડકારરૂપ બની શકે છે, ખાસ કરીને પ્રવાહિતા (liquidity) તંગી અથવા નાણાકીય અસ્થિરતાના સમયમાં. રિપોર્ટ અનુસાર, ફિક્સ્ડ ડિપોઝીટ અને કાસા (ચલણી અને બચત ખાતા) બેલેન્સમાં ઘટાડો વધુ સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે. થાપણદારો હવે વધુ વળતર મેળવવા માટે કેપિટલ માર્કેટ અને મ્યુચ્યુઅલ ફંડ તરફ આગળ વધી રહ્યા છે.
આ બદલાવ બેંકિંગ સિસ્ટમની પરિપક્વતાને દર્શાવે છે, પરંતુ સાથે જ ડિપોઝીટ સ્થિરતા પર દબાણ વધારી શકે છે. ક્રિસિલના અનુમાન મુજબ, જો આ વલણ ચાલુ રહ્યું તો બેંકોને ડિપોઝીટ આકર્ષવા માટે ઊંચા વ્યાજદર ઓફર કરવા પડશે અથવા બજાર પરથી ઉધાર લેવું પડી શકે છે, જે તેમની ઉધારની કિંમત વધારી શકે છે. તાજેતરમાં, નાણા મંત્રાલયે બેંકોને કાસા ડિપોઝીટમાં સુધારો કરવા અને એમએસએમઈ તેમજ કૃષિ ક્ષેત્રને વધુ ધિરાણ આપવા સૂચના આપી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, કાસા ડિપોઝીટ વધવાથી બેંકોને અર્થતંત્રના મુખ્ય ક્ષેત્રોને વધુ સરળતાથી નાણાં આપવાની ક્ષમતા મળશે.