વર્તમાન નાણાં વર્ષમાં ખાનગી કંપનીઓ મૂડી ખર્ચ વધારવામાં થોડું પાછળ પડી રહી છે. વૈશ્વિક વેપારમાં ચાલી રહેલી અનિશ્ચિતતાઓને કારણે મોટાભાગની કંપનીઓ ‘થોભો અને રાહ જુવો’ નીતિ અપનાવી રહી છે. આ કારણે નવી પ્રોજેક્ટ્સ શરૂ કરવા કે ક્ષમતા વધારવા માટે મોટી જાહેરાતો જોવા મળી રહી નથી. રેટિંગ એજન્સી એસએન્ડપી ગ્લોબલના એક રિપોર્ટ મુજબ, હાલ ખાનગી રોકાણનો વૃદ્ધિ દર જીડીપી કરતાં નબળો છે અને કંપનીઓ બેન્કમાંથી નવું લોન લેવાને બદલે પોતાના આંતરિક ભંડોળ પર વધુ આધાર રાખી રહી છે.
વર્તમાન નાણાં વર્ષમાં બેન્કિંગ ધિરાણ વૃદ્ધિ આશરે ૧૨ થી ૧૩ ટકા જ રહેવાની ધારણા છે. તેમ છતાં, લાંબા ગાળે સ્થિતિ હકારાત્મક દેખાઈ રહી છે. રિપોર્ટ અનુસાર, આગામી પાંચ વર્ષમાં ખાનગી કંપનીઓ તરફથી ૮૦૦ થી ૮૫૦ અબજ ડોલર જેટલા મૂડી ખર્ચની સંભાવના છે. હાલ મોટી ખાનગી કંપનીઓ ક્ષમતા ઉમેરવામાં સાવચેતી રાખી રહી છે, પરંતુ આગામી સમયમાં રોકાણનું આ પ્રવાહ તેજી પકડવાની આશા છે.