વિશ્વના દરિયાઈ માર્ગો પર હાલ જહાજ મારફત માલસામાનની હેરફેરના દરમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. યુદ્ધની પરિસ્થિતિ, વિવિધ દેશો પર લાગેલા પ્રતિબંધો અને ઉત્પાદનના વધારા જેવા પરિબળો મળીને વૈશ્વિક શિપિંગ ખર્ચને વધારતા દેખાઈ રહ્યા છે. સામાન્ય રીતે વર્ષના અંતે ઠંડીની મોસમમાં મોસમી માગ નબળી રહેતી હોવાથી શિપિંગ દરોમાં ઘટાડો જોવા મળતો હોય છે, પરંતુ આ વર્ષે સ્થિતિ સંપૂર્ણપણે જુદી છે.
જહાજ મારફત પરિવહનના દર પર નજર રાખતો બાલ્ટિક ઈન્ડેક્સ હાલમાં બે વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યો છે. શિપિંગ ઉદ્યોગના તારણો અનુસાર મહત્વના માર્ગો પર ક્રુડ ઓઈલની હેરફેર માટેના દરમાં 450 ટકા જેટલો મોટો ઉછાળો નોંધાયો છે. લિક્વિફાઈડ નેચરલ ગેસ (LNG) અને આયર્ન ઓર જેવી મુખ્ય કોમોડિટીઓના પરિવહન ખર્ચ પણ તેજી સાથે વધી રહ્યા છે.
પરંપરાગત રીતે ડિસેમ્બર મહિનામાં શિપિંગ દરો નબળા રહેતા હોવા છતાં હાલની પરિસ્થિતિને જોતા 2026ના પ્રારંભમાં પણ દરો ઊંચા જળવાઈ રહેવાની ધારણા કરવામાં આવી રહી છે. મધ્ય પૂર્વમાં ઉત્પાદનના વધારા અને રશિયન ક્રુડ પર અમેરિકન પ્રતિબંધોને પગલે એશિયાઈ દેશો દ્વારા વિકલ્પરૂપે અન્ય વિસ્તારોમાંથી ક્રુડ ખરીદવાનું પ્રમાણ વધી ગયું છે — જેનાથી પરિવહન ખર્ચ ઉપરાજે ચઢી રહ્યો છે.
અમેરિકા અને યુરોપથી LNG પરિવહન ખર્ચ પણ હાલમાં બે વર્ષની સર્વોચ્ચ સપાટીએ છે. બીજી તરફ, ઈરાનના સમર્થન ધરાવતા હાઉથીસ ગ્રુપ દ્વારા રેડ સી વિસ્તારમાં જહાજો પર કરવામાં આવેલા હુમલાઓને કારણે અનેક શિપિંગ કંપનીઓને પોતાના રૂટ બદલીને લાંબા માર્ગો અપનાવવા પડ્યા છે. આ કારણે ઇંધણ, સમય અને ઓપરેશનલ ખર્ચમાં વધુ વધારો નોંધાયો છે.
કોમોડિટીના દરિયાઈ પરિવહન માટેના ભાડાનો અંદાજ આપતો બાલ્ટિક ડ્રાય ઈન્ડેક્સ બુધવારે 9 ટકા વધી 2,845 પર પહોંચ્યો હતો – જે ડિસેમ્બર 2023 બાદની સૌથી ઊંચી સપાટી છે.

