સપ્ટેમ્બર ૨૦૨૫માં પૂર્ણ થયેલા ક્વાર્ટરમાં ભારતીય કંપનીઓના પ્રમોટરો દ્વારા હિસ્સો ઘટાડવાનો વલણ વધુ ઝડપી બન્યો છે. વિશ્લેષણ મુજબ, ક્વાર્ટરના અંત સુધીમાં આશરે ૪.૬% કંપનીઓમાં પ્રમોટરોએ પોતાનો ૧% અથવા વધુ હિસ્સો વેચી દીધો, જે એપ્રિલ-જૂન ગાળાની સરખામણીએ ઊંચો અને માર્ચ ક્વાર્ટરમાં નોંધાયેલા સ્તર કરતાં બમણા કરતાં વધુ છે. સ્ટોક ઓપ્શન જેવા નાના લેવડદેવડ દ્વારા પણ હિસ્સો ઘટવાનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. આ વિશ્લેષણ છેલ્લા દાયકાથી વધુ સમયગાળાના ૯૩૨ કંપનીઓના શેરહોલ્ડિંગ પેટર્ન પર આધારિત છે, જેમાં બીએસઈ-૫૦૦, બીએસઈ મિડકેપ અને બીએસઈ સ્મોલકેપ સૂચકાંકોની કંપનીઓનો સમાવેશ થાય છે. બજારમાં આવેલા ઊંચા મૂલ્યાંકન અને ઉદ્યોગોની વધતી મૂડીની જરૂરિયાત વચ્ચે પ્રમોટરોએ નફાકારક સ્તરે હિસ્સો વેચવાની તકનો લાભ લીધો હોય તેવી શક્યતા નિષ્ણાતોએ વ્યક્ત કરી છે.
કોર્પોરેટ નિષ્ણાતો માને છે કે પ્રમોટરનો હિસ્સો ઓછો થવાનો અર્થ એ નથી કે બજાર મૂલ્યાંકન ટોચ પર પહોંચી ગયું છે. ઘણી કંપનીઓના પ્રમોટરો હજુ પણ તેમની સંપત્તિનો મોટો હિસ્સો પોતાની કંપનીઓમાં જ ધરાવે છે, જે તેમની લાંબા ગાળાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. વૈશ્વિક ટ્રેન્ડની જેમ, ભારતમાં પણ નવા યુગની કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સમાં સ્થાપકોનો હિસ્સો સંબંધિત રીતે નાનો હોય છે, જે આ વલણને આગળ ધપાવે છે. કોરોના બાદની તેજી દરમિયાન ઊંચા મૂલ્યાંકન વચ્ચે પ્રમોટર વેચાણમાં વધારો જોવા મળ્યો હતો, જે સપ્ટેમ્બર ૨૦૨૪માં શિખરે પહોંચ્યું. ત્યાર બાદ એપ્રિલ ૨૦૨૫ દરમિયાન સેન્સેક્સ ૭૧૪૨૫ સુધી ફસલ્યો, પરંતુ સપ્ટેમ્બર સુધી ફરી ૮૦૦૦૦ નજીક પહોંચી ગયો અને ઓક્ટોબરના અંત સુધીમાં ૮૩૯૩૮.૭૧ સુધી ઉછળ્યો.
પ્રમોટર હિસ્સામાં સૌથી મોટો ઘટાડો જોવા મળેલી કંપનીઓમાં સાધના નાઇટ્રો કેમ (૨૬.૭૬%), એમકો એલિકોન (૨૪.૬૮%), મેરેથોન નેક્સ્ટજેન રિયલ્ટી (૧૭.૭૧%), લોયડ્સ એન્ટરપ્રાઇઝ (૧૧.૧૯%) અને રામા સ્ટીલ ટ્યુબ્સ (૧૦.૦૮%)નો સમાવેશ થાય છે. આ ઘટાડો હિસ્સા વેચાણ તેમજ મૂડી એકત્રકરણની જુદી જુદી પ્રવૃત્તિઓને કારણે હોઈ શકે છે. મૂખ્ય ક્ષેત્રો જેમા પ્રમોટર હિસ્સો ઘટાડવાનો વલણ વધુ હતો તેમાં કેમિકલ, કેપિટલ ગુડ્સ, સ્ટીલ, ફાઈનાન્સ, રિયલ એસ્ટેટ, સિમેન્ટ અને હેલ્થકેરનો સમાવેશ થાય છે. તાજેતરના વર્ષોમાં પ્રમોટરોના વર્તનમાં આવેલા પરિવર્તનને પણ આ વલણ માટે જવાબદાર ગણવામાં આવે છે. અગાઉ, પ્રમોટરો ઘણીવાર કંપનીમાંથી નગદ ઉપાડતા જોવા મળતા હતા, જેના કારણે લઘુમતી શેરધારકોને નુકસાન થાય તેવી સંભાવનાઓ રહેતી. હવે, વધારે પારદર્શક રીતે હિસ્સો વેચવાનું વલણ આગળ વધી રહ્યું છે.

