ઘરઘાટીએ વિદેશી ચલણ, સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિતની મતા ચોરી કરતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
Ahmedabad, તા.૧૫
શહેરના પાલડીમાં આવેલા સુવિધા શોપિંગ સેન્ટર સામેની ગૌતમબાગ સોસાયટીમાં ચોરીની ઘટના બની છે. ન્યુ ક્લોથ માર્કેટના વેપારીના ઘરમાં જ કામ કરતા ઘરઘાટીએ નોકરીએ લાગ્યાના પાંચ માસમાં જ હાથ સાફ કરીને રાજસ્થાન ભેગો થઇ ગયો છે. ઘરઘાટીએ વિદેશી ચલણ, સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ રૂ. ૪૯.૬૨ લાખની મતા ચોરી કરતા પાલડી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પાલડીમાં આવેલા સુવિધા શોપિંગ સેન્ટર સામે આવેલી ગૌતમબાગ સોસાયટીમાં રહેતા કરણ શાહ ન્યુ ક્લોથ માર્કેમાં દુકાન ધરાવીને કાપડનો વેપાર કરે છે. ગત તા.૯ જુલાઇએ કરણભાઇ જમીને પત્ની સાથે આંટો મારવા નીકળ્યા હતા. ત્યારે પત્ની માલવીકાએ તેના પર્સમાં ૨૨ હજારમાંથી ૧૬ હજાર ઓછા હોવાની વાત કરી હતી. જેથી કરણભાઇએ તેમના મમ્મી, પપ્પા અને બહેન આળિકાથી પરત આવે ત્યારે આ બાબતે ચર્ચા કરીશું કહીને વાત જતી કરી હતી.
જે બાદ તા.૧૩મીએ માલવીકાબેનને ઘરમાં કામ કરતા માણસો પર વધુ શંકા જતા તેમણે મોડી રાત્રે જ કબાટ ખોલીને જોતા રૂ. ૧.૬૦ લાખમાંથી ૧.૩૦ લાખ ચોરી થયા હતા. જેથી માલવીકાબેને પતિ કરણભાઇને જાણ કરતા અન્ય કબાટોની તપાસ કરતા તેમાંથી ૪૮.૧૬ લાખની મતાના ૬૦૨ ગ્રામ સોનાના દાગીના અને ૧.૪૬ લાખ રોકડા મળીને કુલ રૂ. ૪૯.૬૨ લાખની ચોરી થઇ હતી. ઘરમાં તપાસ કરતા એક ઘરઘાટી કમલેશ મીણા ગાયબ હતો અને તેણે જ ચોરી કરી હોવાનું સામે આવતા કરણભાઇએ પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રાજસ્થાન ટીમો મોકલી તપાસ શરૂ કરી છે. કરણભાઇના ઘરમાં કુલ ચાર લોકો કામ કરે છે. ત્રણ વર્ષથી વિનોદ અહારી ઘરઘાટી તરીકે કામ કરે છે. જ્યારે માર્ચ મહિનાથી કમલેશ મીણા નોકરીએ લાગ્યો હતો. જ્યારે એજન્સી મારફતે કરણભાઇની પુત્રી માટે પાંચ માસથી અને અને ત્રણ માસથી તેમના દાદી માટે કેરટેકર કામ કરે છે.
સૂત્રોનું માનીએ તો બંને ઘરઘાટીને નોકરીએ રાખવા મામલે મકાન માલિકે પોલીસ વેરિફિકેશન કે રજિસ્ટ્રેશન કરાવ્યું નથી. કરણભાઇ અને માલવીકાબેને રાત્રે બારેક વાગ્યે કબાટોની તપાસ કરતા દાગીના અને રોકડા ચોરી થયાની જાણ થઇ હતી. જે બાદ રાત્રે જ દોઢ વાગ્યે ઘરઘાટી અને કેરટેકરને ભેગા કરીને પૂછપરછ કરી હતી. ત્યારે કમલેશ મીણા નામનો ઘરઘાટી ન મળી આવતા ઘરમાં તપાસ કરતા તે ગાયબ હતો. જેથી તેને ફોન કરતા ગામડે જઉં છું તેમ કહીને ફોન કાપી નાખ્યો હતો. આરોપી કમલેશે કરણભાઇના માતા પિતા વિદેશ ફરવા ગયા તે દરમિયાનમાં હાથસાફ કર્યો હોવાની શંકા છે. આરોપી કમલેશ મીણાએ રાજસ્થાન જવા નીકળ્યો હોવાનું જણાવતા કરણભાઇએ તેના રૂમમાં જઇને તેનો સામાન તપાસ્યો હતો. તેની બેગમાંથી ઇન્ડોનેશિયા દેશની એક લાખની ચલણી નોટો મળી આવી હતી. તે ચલણી નોટો કરણભાઇની હતી. વિદેશી ચલણી નોટો કમલેશ મીણા વટાવી ન શક્તા મૂકીને જતો રહ્યો હોવાનું પોલીસ માની રહી છે.

