New York, તા.17
અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 19 જુલાઈના રોજ ન્યૂયોર્ક ન્યૂ જર્સી સ્ટેડિયમમાં રમાનારા ફીફા વર્લ્ડ કપ 2026ના ફાઇનલ મુકાબલામાં હાજર રહેશે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલીન લેવિટે ગુરુવારે આ અંગેની સત્તાવાર માહિતી આપતાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ આ ભવ્ય ટૂર્નામેન્ટના સમાપનનો હિસ્સો બનવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.
આ સાથે જ ફીફાના પ્રેસિડેન્ટ જિયાની ઇન્ફેન્ટિનોએ એક ઇન્ટરવ્યુમાં સ્પષ્ટ કર્યું છે કે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ, મેજબાન દેશનાં રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ તેમની સાથે મળીને વિજેતા ટીમને વર્લ્ડ કપની ટ્રોફી એનાયત કરશે, જેમ અગાઉ 2022માં કતારના અમીરે અને 2018માં રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કર્યું હતું.
આ ખિતાબી મુકાબલામાં ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિના સતત બીજો વર્લ્ડ કપ જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે, જ્યારે બીજી તરફ સ્પેનની ટીમ 16 વર્ષનાં લાંબા ઇન્તઝર બાદ ફાઇનલમાં પહોંચી છે.
લિઓનલ મેસીની આગેવાની હેઠળની આર્જેન્ટિનાની ટીમે 2022માં ફ્રાન્સને હરાવીને ટાઇટલ જીત્યું હતું, જ્યારે સ્પેનની ટીમે છેલ્લે 2010ના વર્લ્ડ કપના ફાઇનલમાં જગ્યા બનાવીને ખિતાબ પોતાનાં નામે કર્યો હતો.
આ મેચ ભારતીય સમયાનુસાર રવિવાર મોડી રાત્રે 12ઃ30 વાગ્યે શરૂ થશે. આ હાઈ-વોલ્ટેજ મેચમાં સ્પેન અને આર્જેન્ટિના વચ્ચે ટ્રોફી મેળવવા માટે જોરદાર જંગ જામશે.

