Ahmedabad તા.17
અમદાવાદ જંક્શન દેશના સૌથી વધુ પ્લેટફોર્મ ધરાવતા રેલવે સ્ટેશનોની યાદીમાં સ્થાન પામ્યું છે. કુલ 12 પ્લેટફોર્મ સાથે અમદાવાદ દેશના ટોપ-10 સ્ટેશનોમાં સામેલ છે. આ સ્ટેશન પશ્ચિમ રેલવેનું મહત્ત્વપૂર્ણ જંક્શન હોવાથી દરરોજ ગુજરાત ઉપરાંત દેશના વિવિધ રાજ્યો માટેની અનેક એક્સપ્રેસ, સુપરફાસ્ટ, વંદે ભારત સહિત 300થી વધુ ટ્રેનોનું સંચાલન અહીંથી થાય છે.
દેશમાં સૌથી વધુ 23 પ્લેટફોર્મ હાવડા જંક્શન ખાતે છે. જ્યારે સિયાલદહ 21, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ 18, એમજીઆર ચેન્નઈ સેન્ટ્રલ 17, નવી દિલ્હી 16 ત્યારબાદ અમદાવાદ કાલુપુર સ્ટેશન 12 પ્લેટફોર્મ સાથે છઠ્ઠા ક્રમે ખડગપુર જંક્શન સાથે સંયુક્ત સ્થાન ધરાવે છે.
ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, રાજસ્થાન, મુંબઈ, દિલ્હી અને દક્ષિણ ભારત તરફ જતી અનેક મહત્ત્વપૂર્ણ ટ્રેનો માટે અમદાવાદ મુખ્ય હબ તરીકે કાર્ય કરે છે. હાલ સ્ટેશનના પુનર્વિકાસ અને મલ્ટીમોડલ હબ પ્રોજેક્ટનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. જેના કારણે આગામી સમયમાં મુસાફરોને વધુ આધુનિક અને સુવિધાભર રેલવે સ્ટેશન મળશે.

