New Delhi તા.18
દેશમાં નવી મેડીકલ કોલેજ ખોલવા માટેના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે અને હવે કોઈપણ ખાનગી કંપનીઓ પણ મેડીકલ કોલેજ ખોલી શકશે. અત્યાર સુધી નોનપ્રોફીટ કંપનીઓ માટે જ મેડીકલ કોલેજ ખોલવાની છુટ્ટ હતી. પરંતુ હવે સરકારે દેશમાં આરોગ્ય સેવા માટે જે રીતે તબીબોની જરૂર છે.
તેથી ખાનગી કંપનીઓને પણ મેડીકલ કોલેજ ખોલવા અને નફો કરવાની મંજુરી આપી છે. તેના કારણે હવે ટોચની અનેક હોસ્પિટલો પણ મેડીકલ કોલેજ ખોલી શકશે. આમ મેડીકલ શિક્ષણમાં એક વ્યાપક ફેરફાર થશે. સરકારે અત્યાર સુધી ટ્રસ્ટ અને સોસાયટી જેનો ઉદેશ નફો કરવાનો ન હોય તેને જ આ પ્રકારે મેડીકલ કોલેજ ખોલવા મંજુરી આપી હતી.
પરંતુ તેમાં નફો કરવાનું પ્રતિબંધીત હોવાથી મેડીકલ શિક્ષણમાં ખાનગી કંપનીઓ આવતી ન હતી. પરંતુ હવે કાનુની રીતે મંજુરી મળતા જ અનેક ટોચની હોસ્પિટલો અને દવા કંપનીઓ પણ તેમજ મોટી શિક્ષણ સંસ્થાઓ મેડીકલ શિક્ષણમાં જોડાશે.
2017માં વેદાંતા ગ્રુપે દેશમાં પ્રથમ પ્રાઈવેટ મેડીકલ કોલેજ ખોલી હતી પરંતુ તેની ફી અત્યંત ઉંચી હતી અને સરકારે મંજુરી આપી ન હતી જેથી તે ટ્રસ્ટમાં ફેરવી નાંખવામાં આવી હતી.
સુપ્રીમકોર્ટે 1993 અને 2002ના એક ચુકાદામાં શિક્ષણને એક ચેરીટી એટલે કે સખાવતી કાર્ય ગણાવ્યું હતું અને શિક્ષણ વેચી શકાય નહી તેવું જણાવ્યું હતું. સરકારે 2010માં કંપનીઓને નફો નહી કરવાની શરતે મેડીકલ કોલેજ ખોલવા મંજુરી આપી હતી.

