New Jersey,તા.20
ફિફા વર્લ્ડ કપ ફાઇનલમાં સ્પેને આર્જેન્ટિનાને હરાવીને ટાઇટલ પોતાના નામે કર્યું હતું. જોકે, આખરી સીટી વાગતાં જ સ્પેનના ખેલાડીઓ જ્યારે ઐતિહાસિક જીતની ઉજવણી કરી રહ્યા હતા, ત્યારે મેદાન પર ભારે હંગામો મચી ગયો હતો. આર્જેન્ટિનાના ખેલાડી પરેડેસે સીધા સ્પેનના ડિફેન્ડર એરિક ગાર્સિયા પાસે જઈને બહાસ શરૂ કરી દીધી હતી. જોતજોતામાં મામલો એટલો વણસી ગયો કે પરેડેસે ગાર્સિયાને બે વાર મુક્કા મારી દીધા હતા.સ્થિતિ થાળે પાડવા માટે સ્પેનના મિડફીલ્ડર ગાવીએ વચ્ચે આવીને બંને ખેલાડીઓને અલગ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પરેડેસનો ગુસ્સો શાંત થયો નહોતો અને તેણે ગાવી તરફ પણ હાથ ઉપાડ્યો હતો, જે તેના ચહેરા પર વાગ્યો હતો. ત્યારબાદ આર્જેન્ટિનાના ખેલાડી થિયાગો અલમાડા અને બંને ટીમોના અન્ય સભ્યો તથા અધિકારીઓ ત્વરિત ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને અલમાડાએ ગાવીને પાછળ ધકેલીને મામલો વધુ બિચકતો અટકાવ્યો હતો.મેચની વાત કરીએ તો નિર્ધારિત 90 મિનિટ સુધી બંને ટીમો એકપણ ગોલ કરી શકી નહોતી, જેથી મુકાબલો એક્સ્ટ્રા ટાઇમમાં પહોંચ્યો હતો. એક્સ્ટ્રા ટાઇમની 106મી મિનિટે સબસ્ટિટ્યૂટ ખેલાડી ફેરાન ટોરેસે રિબાઉન્ડ પર શાનદાર ગોલ કરીને સ્પેનને 1-0 ની જીત અપાવી હતી. આ ગોલે 16 વર્ષ અને 8 દિવસ પહેલાં એન્ડ્રેસ ઇનિએસ્ટાએ 2010 વર્લ્ડ કપ ફાઇનલમાં નેધરલેન્ડ્સ સામે એક્સ્ટ્રા ટાઇમમાં કરેલા વિજયી ગોલની યાદ તાજી કરાવી હતી.આ જીત સાથે કોચ લુઇસ ડે લા ફુએન્ટેની સ્પેનિશ ટીમે સમગ્ર ટૂર્નામેન્ટમાં માત્ર એક જ ગોલ સ્વીકારીને બીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાનો અને સતત યુરોપિયન ચેમ્પિયનશિપ તથા ફિફા વર્લ્ડ કપ જીતવાનો અનોખો રેકોર્ડ બનાવ્યો છે. બીજી તરફ, લિયોનેલ મેસીનું સતત બીજી વાર વર્લ્ડ કપ જીતવાનું સપનું તૂટી ગયું હતું. મેસીએ આ ટૂર્નામેન્ટમાં 8 ગોલ અને 4 અસિસ્ટ કર્યા હતા, પરંતુ ફાઇનલમાં હાર બાદ તે પોતાના આંસુ રોકી શક્યો નહોતો.

