New Jersey,તા.20
ફિફા વર્લ્ડ કપ 2026 ની રોમાંચક ફાઇનલમાં આર્જેન્ટિનાને 1-0 થી હરાવીને રોડ્રીની આગેવાની હેઠળની સ્પેનની ટીમે ઈતિહાસ રચી દીધો છે. એક્સ્ટ્રા ટાઇમમાં થયેલી આ હાઇ-વોલ્ટેજ ફાઇનલ મેચમાં ફેરાન ટોરેસે ગોલ કરીને સ્પેનને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું હતું. આ ઐતિહાસિક જીત સાથે સ્પેને માત્ર વર્લ્ડ કપ ટ્રોફી જ નથી ઉઠાવી, પરંતુ ફિફા વર્લ્ડ કપના ઇતિહાસની સૌથી મોટી ઇનામી રકમ (પ્રાઇઝ મની) પણ પોતાના નામે કરી લીધી છે.ફિફા દ્વારા વિશ્વ વિજેતા બનેલી સ્પેનની ટીમને 50 મિલિયન ડોલર (આશરે 481 કરોડ રૂપિયા) ની જંગી પ્રાઇઝ મની આપવામાં આવી છે. વર્લ્ડ કપના ઇતિહાસમાં વિજેતા ટીમને મળેલી આ સૌથી મોટી રકમ છે. આ અગાઉ 2022 માં કતાર વર્લ્ડ કપ જીતનારી આર્જેન્ટિનાની ટીમને 42 મિલિયન ડોલર મળ્યા હતા, એટલે કે આ વખતે વિજેતા રકમમાં 8 મિલિયન ડોલરનો જંગી વધારો કરવામાં આવ્યો છે.
ફાઇનલમાં હારનો સામનો કરનારી લિયોનેલ મેસીની રનર-અપ ટીમ આર્જેન્ટિનાને પણ 33 મિલિયન ડોલર (આશરે 318 કરોડ રૂપિયા) મળ્યા છે. જે ગયા વર્લ્ડ કપ કરતાં 3 મિલિયન ડોલર વધુ છે. આ ઉપરાંત
ત્રીજું સ્થાન (ઇંગ્લેન્ડ): 29 મિલિયન ડોલર (આશરે 279 કરોડ રૂપિયા),
ચોથું સ્થાન (ફ્રાન્સ): 27 મિલિયન ડોલર (આશરે 260 કરોડ રૂપિયા)
આ વખતે ફિફાએ 48 ટીમોના નવા ફોર્મેટ સાથે પ્રાઇઝ મનીનું બજેટ પણ નોંધપાત્ર રીતે વધાર્યું હતું:
ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચનાર ટીમ: 19 મિલિયન ડોલર (આશરે 183 કરોડ રૂપિયા)
રાઉન્ડ ઓફ 16 માંથી બહાર થનાર ટીમ: 15 મિલિયન ડોલર (આશરે 144 કરોડ રૂપિયા)
રાઉન્ડ ઓફ 32 માંથી બહાર થનાર ટીમ: 11 મિલિયન ડોલર (આશરે 106 કરોડ રૂપિયા)
ગ્રુપ સ્ટેજમાંથી બહાર થનાર ટીમ: 9 મિલિયન ડોલર (આશરે 87 કરોડ રૂપિયા)ફિફાએ ક્વોલિફાય કરનારી તમામ 48 ટીમોને ટૂર્નામેન્ટ શરૂ થાય તે પહેલા જ નાણાકીય સહાય પૂરી પાડી હતી. દરેક ટીમને 10 મિલિયન ડોલર ક્વોલિફિકેશન ફી અને 2.5 મિલિયન ડોલર તૈયારીઓ માટે આપવામાં આવ્યા હતા. આમ, કોઈ પણ ટીમ પહેલી મેચ રમે તે પહેલા જ તેને 12.5 મિલિયન ડોલર (આશરે 120 કરોડ રૂપિયા) ની ગેરંટી મની મળી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, ફિફાએ વર્લ્ડ કપ 2026 માં કુલ 871 મિલિયન ડોલર (આશરે 8386 કરોડ રૂપિયા) નું વિતરણ કર્યું છે, જે ગયા વર્લ્ડ કપ કરતાં 431 મિલિયન ડોલર વધુ છે.

