બોપલ નજીક આવેલી સરણદીપ સોસાયટીમાં દીપડાની અવરજવર ઝ્રઝ્ર્ફ કેમેરામાં કેદ થઈ છે
Ahmedabad, તા.૨૦
અમદાવાદ શહેરના ઘુમા વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે દીપડો દેખાતા રહેવાસીઓમાં ભયનો માહોલ ફેલાયો છે. બોપલ નજીક આવેલી સરણદીપ સોસાયટીમાં દીપડાની અવરજવર ઝ્રઝ્ર્ફ કેમેરામાં કેદ થઈ છે. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમો સ્થળ પર પહોંચી હતી અને દીપડાને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ, રવિવારે મોડી રાત્રે એક ભાઈ અને બહેન કારમાં ઘુમા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે તેમણે રોડ પર દીપડો જોયો હતો. બંનેએ ગભરાયા વગર તરત જ સોસાયટીના રહેવાસીઓને જાણ કરી હતી. ત્યારબાદ ઝ્રઝ્ર્ફ ફૂટેજ તપાસતા દીપડો કેમેરામાં પણ કેદ થયો હતો.
વન રાજ્યમંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું કે, “હાલ સુધી દીપડાએ કોઈ વ્યક્તિને નુકસાન પહોંચાડ્યાના અહેવાલ નથી. દીપડાને સુરક્ષિત રીતે પકડવા માટે વન વિભાગની ટીમો કામગીરી કરી રહી છે. તેમણે લોકોને અપીલ કરી કે દીપડો દેખાય તો તેને ઉશ્કેરવાનો પ્રયાસ ન કરવો. તાત્કાલિક વન વિભાગને જાણ કરવી.” તેમણે વધુમાં કહ્યું કે, “અહીં આસપાસ કોઈ મોટો જંગલ વિસ્તાર નથી, તેથી દીપડાના ફૂટપ્રિન્ટના આધારે તે કયા વિસ્તારથી આવ્યો છે તેની તપાસ કરવામાં આવશે.”
અમદાવાદના નાયબ વન સંરક્ષક ડો. મીનલ જાનીએ જણાવ્યું કે, “વન વિભાગ અને કાંકરિયા ઝૂની રેસ્ક્યૂ ટીમ ઘુમા અને આસપાસના ઝાડીવાળા તેમજ રહેણાંક વિસ્તારોમાં સતત સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.” તેમણે રહેવાસીઓને અપીલ કરી કે, “નાના બાળકોને એકલા બહાર ન મોકલો. અંધારા અને સૂમસામ વિસ્તારોમાં જવાનું ટાળો. દીપડો દેખાય તો ભીડ એકઠી ન કરો. તરત જ વન વિભાગના હેલ્પલાઇન નંબર પર જાણ કરો”. ડો. જાનીએ જણાવ્યું કે, “દીપડાનો કુદરતી ખોરાક માણસ નથી, તેથી ગભરાવાની જરૂર નથી, પરંતુ સંપૂર્ણ સતર્કતા રાખવી જરૂરી છે.”
દીપડાને સૌપ્રથમ જોનાર ભાઈ-બહેને જણાવ્યું કે, “તેઓ કારમાં જઈ રહ્યા હતા ત્યારે અચાનક રોડ પર દીપડો દેખાયો. શરૂઆતમાં વિશ્વાસ ન આવ્યો, પરંતુ નજીકથી જોતા દીપડો હોવાનું સ્પષ્ટ થયું.”
ત્યારબાદ તેમણે તરત જ સોસાયટીમાં લોકોને જાણ કરી. રહેવાસીઓને સતર્ક કરવામાં આવ્યા હતા. તેમની સમયસરની સતર્કતાને કારણે સમગ્ર ઘટનાની જાણ વન વિભાગ સુધી પહોંચી અને તાત્કાલિક કાર્યવાહી શરૂ થઈ.

