આ કેસમાં મેહુલ ડોડીયા, તેમની માતા રમીલા ડોડીયા અને ભાગીદાર સાદિક સૈયદની પોલીસે ધરપકડ કરી હતી
Ahmedabad, તા.૨૦
મહેમુદપુરા વિસ્તારમાં આવેલી ન્યૂ ગુજરાત ફાયર વર્ક્સ ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભયાનક બ્લાસ્ટ અને આગના કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. કેસની વધુ તપાસ માટે જીૈં્ દ્વારા ૧૪ દિવસના પોલીસ રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. જોકે કોર્ટે મુખ્ય બે આરોપી મેહુલ ડોડીયા અને સાદિક સૈયદના ૨૭ જુલાઈ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
આ કેસમાં ન્યૂ ગુજરાત ફાયર વર્ક્સના સંચાલક મેહુલ ડોડીયા, તેમની માતા રમીલા ડોડીયા અને ભાગીદાર સાદિક સૈયદની પોલીસે ધરપકડ કરી હતી. જોકે મહિલા આરોપી રમીલા ડોડીયાની તબિયત બગડતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાથી કોર્ટમાં માત્ર મેહુલ ડોડીયા અને સાદિક સૈયદને જ રજૂ કરવામાં આવ્યા હતા.
સરકારી વકીલ ભરત આર બારોટે કોર્ટમાં રિમાન્ડ માટે મહત્વના કારણો રજૂ કરતા દલીલ કરી કે આરોપીઓને સાથે રાખીને બનાવ સ્થળનું પંચનામું કરવું જરૂરી છે. ઉપરાંત ફટાકડા ફેક્ટરીના આર્થિક અને નાણાકીય વ્યવહારોની તપાસ, વિસ્ફોટક સામગ્રીની ખરીદી-વેચાણની વિગતો, સ્ટોક રજિસ્ટર, કામદારોની યાદી અને અન્ય દસ્તાવેજો કબજે લેવા માટે આરોપીઓની પૂછપરછ જરૂરી છે. આરોપીઓએ કોઈપણ પ્રકારના પાસ અથવા પરવાના વિના ફેક્ટરી ચલાવવામાં આવી રહી હતી અને આ કામ માટે છસ્ઝ્રના કોઈ અધિકારીની સંડોવણી હતી કે નહીં, તેમજ આ પ્રકારની અન્ય ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીઓ પણ ચાલી રહી છે કે કેમ તેની તપાસ માટે આરોપીઓના રિમાન્ડ જરૂરી છે. ઉપરાંત મેહુલ ડોડીયાના વેપાર સાથે સંકળાયેલા અન્ય સંભવિત આરોપીઓ સુધી પહોંચવા અને સંયોગિક પુરાવા એકત્રિત કરવા માટે પણ પોલીસ કસ્ટડી જરૂરી હોવાનું કોર્ટ સમક્ષ જણાવ્યું હતું.
બીજી તરફ બચાવ પક્ષના વકીલે દલીલ કરી હતી કે આ એક દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત છે અને રિકવરી અથવા ડિસ્કવરી માટે આરોપીઓની પ્રત્યક્ષ હાજરીની કોઈ ખાસ જરૂરિયાત નથી. તેથી પોલીસ રિમાન્ડ આપવાની જરૂર નથી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ ડી.આર. ઠાકુરની કોર્ટે મેહુલ ડોડીયા અને સાદિક સૈયદના ૨૭ જુલાઈ સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે મહેમુદપુરા સ્થિત ફટાકડા ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટ અને આગની ઘટનામાં અત્યાર સુધી ૧૦ લોકોના કરુણ મોત થયા છે. મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. આ દુર્ઘટનાએ ગેરકાયદેસર રીતે ચાલતા ફટાકડા ઉત્પાદન અને સુરક્ષા ધોરણોના ભંગ અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે. જીૈં્ દ્વારા સમગ્ર કેસની તલસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

