Mumbai,તા.21
દિલ્હીમાં CJP ના નેતૃત્વ હેઠળ NEET પરીક્ષામાં કથિત ગોટાળા અને શિક્ષણ સુધારાની માંગ સાથે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ એક્શન સામે મનોરંજન જગતમાંથી મોટો સપોર્ટ સાંપડ્યો છે. જાણીતા ગાયક અને અભિનેતા દિલજીત દોસાંજે સોશિયલ મીડિયા પર આ પ્રદર્શનને ખુલ્લું સમર્થન આપ્યું છે.દિલજીત દોસાંજે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું હતું કે, “જે કંઈ પણ થયું તે ખૂબ જ ખોટું છે. વિદ્યાર્થીઓ સાથે આ પ્રકારનો વ્યવહાર ન થવો જોઈએ. હું સત્તાધીશોને વિનંતી કરું છું કે તેઓ વિદ્યાર્થીઓની માંગણીઓ સાંભળે.” અગાઉના ખેડૂત આંદોલનનો ઉલ્લેખ કરતાં તેણે ઉમેર્યું કે, “મને અગાઉ પણ ઘણી વાર ‘દેશદ્રોહી’ (Anti-National) ચિત્રવવામાં આવ્યો છે અને મને ખબર છે કે સત્ય બોલવા બદલ મને ફરી દેશદ્રોહી કહેવામાં આવશે. ખેડૂત આંદોલન બાદ મેં ઘણી કાનૂની મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, જે અંગે હું હજુ પણ ખુલીને વાત કરી શકતો નથી. બાકી ઈશ્વર બધું જોઈ રહ્યો છે.”દિલજીત ઉપરાંત બોલિવૂડના અન્ય સેલેબ્સ પણ વિદ્યાર્થીઓના સમર્થનમાં આવ્યા છે.
રિતેશ અને જેનિલિયા દેશમુખ: તેમણે જણાવ્યું કે યુવા પ્રદર્શનકારીઓનો અવાજ કોઈપણ ડર વિના સ્પષ્ટપણે સાંભળવો જોઈએ.
શબાના આઝમી અને નંદિતા દાસ: શબાના આઝમી પોતે વિરોધ પ્રદર્શનના સ્થળે પહોંચ્યા હતા, જ્યાં તેમની તબિયત લથડતાં પ્રદર્શનકારીઓ અને સુરક્ષાકર્મીઓએ તેમને મદદ કરી હતી.
ભૂમિ પેડનેકર, હુમા કુરેશી અને સુતાપા સિકદર: લેખક સુતાપા સિકદરે લાગણીશીલ પોસ્ટ મૂકતાં લખ્યું કે આ વિદ્યાર્થીઓ કોઈ મોટા ઘરાનાના બાળકો નથી, તેઓ પોતાના ખિસ્સામાં 20 રૂપિયા લઈને આશા સાથે ન્યાય માંગવા આવ્યા છે.

