New Delhi, તા. 21
ભારતનાં પ્રથમ ખાનગી રોકેટ ‘વિક્રમ-1’ ના સફળ લોન્ચિંગ બાદ સ્કાઈરૂટ એરોસ્પેસના વૈજ્ઞાનિકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલિફોનિક વાતચીત કરીને આ ઐતિહાસિક ક્ષણની જાણ કરી હતી. આ સંવાદ દરમિયાન ફોન ઉપડતાં પહેલાં ’વંદે માતરમ’ની મધુર ધૂન સંભળાઈ હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ કૌતુક જાગ્યું હતું કે શું આ પીએમ મોદીની પર્સનલ કોલર ટ્યુન છે.
સુરક્ષાનાં કડક પ્રોટોકોલ અને વિવિધ રિપોર્ટ્સ અનુસાર, દેશનાં વડાપ્રધાનનાં અધિકૃત નંબર પર કોઈપણ પ્રાઈવેટ ગીત કે કોલર ટ્યુન રાખવાની મંજૂરી હોતી નથી. વાયરલ વીડિયોમાં સંભળાતી આ ધૂન વાસ્તવમાં કોઈ વ્યક્તિગત સેટિંગ નથી, પરંતુ સરકારી સંચાર નેટવર્ક અને ઉચ્ચ સ્તરનાં સરકારી હોદ્દાઓ પર દેશભક્તિ તથા ભારતીય સંસ્કૃતિ દર્શાવવા માટે સેટ કરવામાં આવેલી એક ઓફિશિયલ રિંગ બેક ટ્યુન છે.
આમ, ઈન્ટરનેટ પર પીએમ મોદીની પર્સનલ કોલર ટ્યુનને લઈને કરવામાં આવી રહેલાં દાવાઓ સંપૂર્ણપણે સાચા નથી. આ ટ્યુન કોઈ વ્યક્તિગત પસંદગીનાં આધારે નહીં, પરંતુ માત્ર સરકારી સંચાર પ્રોટોકોલ અને સુરક્ષા ધોરણોના ભાગરૂપે જ ઉપયોગમાં લેવાતી એક સત્તાવાર ધૂન છે.

