Ahmedabad, તા. 22
72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ-2026માં શ્રેષ્ઠ ગુજરાતી ફીચર ફિલ્મનો એવોર્ડ મેળવનારી ગુજરાતી ફિલ્મ `મારણ’ (MAARAN) આગામી 31 જુલાઈ, 2026ના રોજ સમગ્ર ગુજરાતના સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મની રિલીઝ તારીખની સત્તાવાર જાહેરાત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ ફિલ્મની સમગ્ર ટીમને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, હું ચોક્કસપણે આ ફિલ્મ જોવા જઈશ. તેમણે સમાજને સ્પર્શતી વિષયવસ્તુ ધરાવતી ગુજરાતી ફિલ્મના નિર્માણ બદલ નિર્માતાઓ અને સમગ્ર ટીમની પ્રશંસા કરી હતી.
ફિલ્મના દિગ્દર્શક અને નિર્માતા અભિષેક જૈને મુખ્યમંત્રી સમક્ષ જણાવ્યું હતું કે `મારણ’ને મળેલું રાષ્ટ્રીય સન્માન સમગ્ર ગુજરાત રાજ્યને સમર્પિત છે. તેમણે ગુજરાતી સિનેમાને સતત પ્રોત્સાહન આપવા બદલ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે, તેમની ઉપસ્થિતિમાં ફિલ્મની રિલીઝ તારીખ જાહેર થવી સમગ્ર ટીમ માટે ગૌરવની ક્ષણ છે.
આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ટીમને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, બીજો નેશનલ એવોર્ડ મળવો ગૌરવની વાત છે. ફિલ્મ ઉદ્યોગ કે નીતિગત સ્તરે કોઈ રચનાત્મક સૂચન હોય તો સરકાર તે અંગે કામ કરવા તૈયાર છે.
રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ પણ દિગ્દર્શક અભિષેક જૈન સાથે મુલાકાત કરી ફિલ્મની વાર્તા અને `મારણ’ શીર્ષકના અર્થ અંગે ચર્ચા કરી હતી તેમજ તેમનું સન્માન કર્યું હતું.
`મારણ’ ફિલ્મનું દિગ્દર્શન અભિષેક જૈને કર્યું છે, જ્યારે તેની વાર્તા દિવ્યા મહેન્દ્રભાઈ ઠાકોરે લખી છે. ફિલ્મમાં દીક્ષા જોશી, યશ સોની, શ્રુહદ ગોસ્વામી, તર્જની ભડલા, અભિનય બેન્કર, વૈશાખ રાઠોડ, કુકુલ તારમાસ્ટર, પ્રાચી ઠાકર, ધૈર્ય ઠક્કર, દ્રુમા મહેતા, મોર્લી પટેલ અને ગરિમા ભારદ્વાજ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
ફિલ્મનું નિર્માણ નયન જૈન, અમિત દેસાઈ અને અભિષેક જૈને કર્યું છે. રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત થયેલી આ ગુજરાતી ફિલ્મ હવે 31 જુલાઈથી માત્ર સિનેમાઘરોમાં દર્શકો માટે ઉપલબ્ધ બનશે.

