મને હંમેશાં કહેવામાં આવે છે કે તમારે પોતાને વધુ વિઝિબલ બનાવવાની જરૂર છે. પરંતુ હું એ બાબતે બહુ વિચારતો નથી
Mumbai, તા.૨૨
છેલ્લા ત્રણ દાયકાથી પોતાનાં દમદાર અભિનય અને અલગ પ્રકારની ભૂમિકાઓ માટે જાણીતા અભિનેતા કે કે મેનનની વધુ એક વેબ સિરીઝ આવી રહી છે, ત્યારે તેઓ ચર્ચામાં છે. તેમણે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે તેઓ સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવવાની સ્પર્ધામાં જોડાવા માગતા નથી. તેમનું કહેવું છે કે જો તેઓ રીલ્સ બનાવવાનો પ્રયાસ કરશે તો પોતે જોકર જેવા લાગશે અને પોતાની જ મજાક ઉડાવશે.એક ખાસ મુલાકાતમાં કે કે મેનને જણાવ્યું કે તેમને ઘણી વખત વધુ લોકોની નજરમાં રહેવા માટે સોશિયલ મીડિયા પર સક્રિય થવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ તેઓ આ બાબતને પોતાનાં કામનો ભાગ માનતા નથી.તેમણે કહ્યું, “મને હંમેશાં કહેવામાં આવે છે કે તમારે પોતાને વધુ વિઝિબલ બનાવવાની જરૂર છે. પરંતુ હું એ બાબતે બહુ વિચારતો નથી, કારણ કે એ મારું કામ નથી. એ માટે અલગ લોકો હોય છે અને હું તેમની સરાહના કરું છું. ઉદાહરણ તરીકે, હું રીલ બનાવનારા લોકોની પ્રતિભાથી પ્રભાવિત છું.” તેઓ સોશિયલ મીડિયાનો પયોગ જરૂર કરે છે, પરંતુ તેઓ મુખ્યત્વે પોતાની ફિલ્મોનાં પ્રમોશન માટે જ ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરે છે. કન્ટેન્ટ ક્રિએટર્સ અથવા ઇન્ફ્લુએન્સર્સ સાથે રીલ્સ બનાવવામાં તેમને રસ નથી. તેમણે કહ્યું, “રીલ બનાવવી પણ એક ખાસ પ્રકારની કલા છે. મારી અંદર એ પ્રતિભા નથી. જેમ એ લોકો મારા જેવી એક્ટિંગ કરવાનો પ્રયાસ નહીં કરે, તેમ હું પણ એવું કામ કરવાનો પ્રયાસ કરવા નહીં માગું, જેમાં હું સારો નથી.”

