કામ પતાવી ઘરે પરત ફરતી વેળાએ સર્જાયો અકસ્માત, પરિવારમાં શોક
Rajkot તા.૨૩
મેટોડા અને ચીભડા ગામ વચ્ચે મજૂરી કામ પતાવીને બાઇક પર ઘરે પરત ફરી રહેલા યુવકનું બાઇક સ્લીપ થઇ જતાં ગંભીર ઇજા પહોંચવાના કારણે મોત નીપજ્યું છે. બનાવને પગલે શ્રમિક પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મેટોડામાં રહેતા અને મજૂરી કામ કરતા દિનેશભાઈ સુરેશભાઈ (ઉં.વ. ૩૦) રાત્રિના આશરે ૧૦૩૦ વાગ્યાના સુમારે પોતાનું કામ પતાવીને બાઇક પર ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન મેટોડા અને ચીભડા વચ્ચેના રસ્તા પર અચાનક બાઇક સ્લીપ થઈ જતાં તેઓ રોડ પર પટકાયા હતા. જેને લઈ તેમને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓ સ્થળ પર જ બેભાન હાલતમાં લોહીલુહાણ થઇ ઢળી પડ્યા હતા. અકસ્માતને પગલે સ્થાનિકો કે રાહદારીઓ દ્વારા તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ૧૦૮ની ટીમે સ્થળ પર પહોંચી બેભાન હાલતમાં રહેલા દિનેશભાઈને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

